કોંગ્રેસના આકરા પ્રહાર:રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ કહ્યું- આજે ભાજપે ‘નારી ગૌરવ દિવસ’ની ઉજવણી કરી, પરંતુ પ્રથમ મહિલા CMને અપમાનિત કરી હાંકી કાઢ્યા'તા

રાજકોટ6 મહિનો પહેલા
  • સુરતમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની શાળા ચાલુ હતી, આ મુદ્દે સરકારે કડક પગલાં લેવા જોઈએ
  • સરકારે 25 ટકા ફી માફીની જાહેરાત કરી, પરંતુ ખાનગી શાળાઓએ ફી ઘટાડવાને બદલે વધારી છે

સમગ્ર રાજ્યમાં સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાંની સાથે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આજે રાજકોટમાં 'નારી ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાલ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ જનચેતના આંદોલન શરૂ કરાયું છે, જેના ભાગરૂપે આજે રાજકોટ ખાતે પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. અને આ અંગે તેમણે પ્રેસ-કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. એમાં ભાજપ પર આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે આજે 'નારી ગૌરવ દિવસ'ની ઉજવણી કરી, પરંતુ ભાજપે પ્રથમ મહિલા CMને અપમાનિત કરી હાંકી કાઢ્યાં હતા. રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે ષડયંત્ર રચીને તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યાં હતા.

મહિલા અદાલતની સંખ્યા વધારવી જોઇએ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જેન્ડર રેશિયોમાં ગુજરાત પછાત છે. રાજ્યમાં દર કલાકે ઘરેલુ હિંસાના બનાવો નોંધાઇ છે ભાજપ કયા મોઢે મહિલા દિવસ ઊજવે છે. મહિલાઓની રસ્તા પર છેડતી થઈ રહી છે. રાજ્યમાં કુલ ગુનામાં 70 ટકા ગુનાઓ મહિલાઓ પર અત્યાચારના છે, એ જ સરકારની નિષ્ફ્ળતાની હકીકત બતાવે છે, તેથી ગુજરાતમાં મહિલા અદાલતની સંખ્યા વધારવી જોઇએ. મહિલા ફરિયાદનો નિકાલ સમયમર્યાદામાં કરવો જોઇએ. રાજ્યમાં દિવસે ને દિવસે રેપ-છેડતીના બનાવો વધે છે અને સરકાર નારી સન્માનની વાત કરે છે. લિંગ ભેદના કારણે ગુજરાતમાં દર વર્ષે 9 હજારથી વધુ બાળકીઓની હત્યા થાય છે. જે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જ મહિલા યૌન શોષણ બાબતે મજાક કરી રહ્યા છે, તે સરકાર નારી સન્માનની વાત કરે છે. ગુજરાતમાં 40 ટકાથી વધુ મહિલાઓ કુપોષણનો ભોગ બનતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

શિક્ષણ ફીમાં રાહત શા માટે નથી આપવામાં આવતી ?
સુરતની ગજેરા સ્કૂલમાં ધોરણ 6થી 9ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવા બાબતે તેમણે જણાવ્યું હતું કે ભાજપના નેતાની સ્કૂલો હોય તો તેમની પાસે તમામ પ્રકારના પરવાના હોય એવું માને છે. તમામ શાળાએ સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ તેમજ સરકારે ત્રીજી લહેર આવતા કઈ રીતે અટકાવી શકાય એના માટે જરૂરી પ્રયાસ કરવા જોઈએ. શિક્ષણ ફી મુદ્દે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા પહેલેથી જ માગ હતી કે આ મહામારીમાં સરકારે રાહત આપવી જોઈએ. સામાન્ય વ્યક્તિ આજે આર્થિક સ્થિતિના કારણે મુશ્કેલમાં છે ત્યારે સરકાર શાળા-સંચાલકોની વકીલાત કરે છે એ યોગ્ય નથી. ઉદ્યોગપતિઓને રાહત આપી શકાતી હોય તો શિક્ષણ ફીમાં રાહત શા માટે નથી આપવામાં આવતી ?

ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એવરેજ એક ગામમાં કોરોનાથી 10 મોત નીપજ્યાં છે. તમામ ગામ, શહેરોના આંકડા મેળવીએ તો 2 લાખથી વધુ લોકોનાં કોરોનાથી મોત થયાં છે. કોરોનાથી મોત થયાં તેના કરતાં વધુ લોકોનાં મોત સરકારની વ્યવસ્થા, અણઆવડત, વિચિત્ર નીતિઓથી થયાં છે. લોકોને ઓક્સિજન, બેડ અને ઇન્જેક્શન નહીં મળવાને લીધે જીવ ગુમાવવો પડ્યો હોવાના અનેક દાખલાઓ સામે આવી ચૂક્યા છે. ગુજરાતનું કોઈ ગામ કે શહેર એવું નહોતું કે જ્યાં ઓક્સિજન તેમજ બેડ માટે લાઇન ન હોય છતાં સરકાર ખોટું બોલે છે. ધૃતરાષ્ટ્રનીતિથી કામ કરતી સરકારને મોત અને પ્રજાની પીડા દેખાતી ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...