વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ઉમેદવારો ક્યાંક સભા સરઘસ તો ક્યાંક રેલી રોડ શો અને પદયાત્રા કરી રહ્યા છે. આજે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સાંજના સમયે ભવ્ય રોડ શો યોજી પ્રચાર કર્યો હતો.
મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા
રાજકોટ મહાનગરમાં કુલ ચાર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ત્રિ-પાંખિયા જંગમાં ઉમેદવારોના નામ જાહેર થતા સાથે આ બેઠક પણ હાઈપ્રોફાઈલ બની જવા પામી છે. કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયુ છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઉમેદવારી નોંધાવ્યા બાદ સભાઓ, મિટિંગો સાથે સાથે પદયાત્રા કરી પ્રચાર કરી રહયા છે અને આજ રોજ સાંજના સમયે ભગવતીપરા મેઈન રોડ પર ભવ્ય રોડ-શો યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં તેઓની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા.
હું 5 વર્ષ માટે ધારાસભ્ય રહી ચુક્યો છું
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, આ જ વિસ્તારમાં 5 વર્ષ પૂર્વે હું 5 વર્ષ માટે ધારાસભ્ય રહી ચુક્યો છું. વર્ષ 2017ની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપે જીત મેળવી પણ 5 વર્ષમાં ભાજપના નેતાએ ભાજપની સરકારે કોઈ કામ કર્યું નથી માટે આ વર્ષે 2022ની ચૂંટણીમાં હું ફરી આ બેઠક પર આવ્યો છું જનતાના પ્રશ્નો લઇ વિધાનસભા સુધી પહોંચવાનો છું. મોંઘવારી, બેરોજગારી, રોડ, રસ્તા પાણીના પ્રશ્નો આજે પણ લોકોને સતાવી રહ્યા છે. પાણીની વાતો ભાજપ સરકાર કરે પણ સરકાર એક પણ નવો ડેમ 27 વર્ષમાં બનાવી શકી નથી. માત્ર વાયદાઓ જ કરે છે પણ નિભાવતી નથી તે લોકોની મુખ્ય સમસ્યા છે. આ સાથે જ એક મોકો કોંગ્રેસને આપો તેવી અપીલ મતદારોને કરી હતી.
ત્રિપાંખિયો જંગ યોજાયો
વર્ષ 2012માં ભાજપ, કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એમ કુલ ત્રણ પક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ યોજાયો હતો જેમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુની જીત થઇ હતી ત્યારે આ વર્ષે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયા જંગમાં કોની જીત થશે તે જોવું મહત્વનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.