રાજકોટ શહેરમા દિવસેને દિવસે હાર્ટએટેકના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. જ્યારે બે માસની એક બાળકીને તાવ આવ્યા બાદ મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. ત્રણના હાર્ટએટેકમાં મોત થયા તેમાં બે પ્રૌઢ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
કોઠારિયા રોડ પરની 57 વર્ષની મહિલાનું હાર્ટએટેકથી મોત
પહેલા બનાવમાં શહેરના કોઠારિયા રોડ પર સુખરામનગર 7માં રહેતા ધીરજબેન સુર્યકાંતભાઈ સોલંકી (ઉં.વ.57) પોતાના ઘરે હતા. ત્યારે વહેલી સવારે 3 વાગ્યે અચાનક તબિયત લથડતા તુંરત 108ને જાણ કરવામાં આવી હતી. જોકે, 108ના ઈએમટી ડોક્ટરે આવી તેને મૃત જાહેર કર્યા હતા. ધીરજબેનને હાર્ટ એટેક આવી ગયો હોવાનું પ્રાથમિક તબકકે તબીબોએ જણાવ્યું હતું. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.
સેલેનિયમ સિટીના પૌઢનું હાર્ટએટેકથી મોત
જ્યારે બીજા બનાવમાં માધાપર ચોકડી નજીક સેલેનિયમ સિટી ખાતે રહેતા પ્રૌઢ ભરતભાઈ રામજીભાઈ પટોડીયા (ઉં.વ.54) ગઈકાલે બપોરે 2 વાગ્યે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક હ્વદયરોગનો હુમલો આવતા તત્કાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે પછી તેમની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ભરતભાઈને સંતાનમાં 2 પુત્ર છે, જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.
ઉદયનગરની 48 વર્ષની મહિલાનું હાર્ટએટેકથી મોત
ત્રીજા બનાવમાં મવડી રોડ પર ઉદયનગર 2માં રહેતા ગીતાબેન સરોજ ભારથી (ઉં.વ.48) પોતાની ઘરે હતા. ત્યારે રાત્રે 1 વાગ્યે તબિયત લથડતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જેને પણ હાર્ટએટેકના કારણે મૃત્યુ થયાનું તબીબોએ પ્રાથમિક તારણ જણાવ્યું હતું.
રાણીમાં રૂડીમાં ચોકમાં બે માસની બાળકીનું મોત
જ્યારે રૈયાધારમાં રાણીમાં રૂડીમાં ચોક પાસે રહેતા ખોડાભાઈ પારાભાઈ સોલંકીની બે માસની પુત્રી ઉર્વશીને છેલ્લા બે દિવસથી તાવ ચડઉતર થતો હોય તેને સારવારમાં ખાનગી હોસ્પિટલે ખસેડી હતી. જ્યાં તબીયત વધુ લથડતાં સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. દવા લઈ ઘરે પહોંચ્યા બાદ થોડા સમયમાં જ બેભાન થઈ ગઈ હતી. જેને સિવિલ હોસ્પિટલના સ્ટાફે તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃતક બાળકી ચાર ભાઈ-બહેનમાં નાની હોવાનું અને પિતા આરએમસીમાં ટ્રેક્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.