કોંગ્રેસના ગંભીર આક્ષેપ:'રાજકોટ સિવિલ હોસ્પિ.માં સિવિલ સર્જનની નિષ્ક્રીયતાથી દર્દીઓને હેરાન-પરેશાન, 25 ઈ-રિક્ષા ધૂળ ખાય છે'

રાજકોટ25 દિવસ પહેલા
સિવિલ હોસ્પિટલનું વહિવટી તંત્ર ખાડે ગયું છે : કોંગ્રેસ

રાજકોટમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વિકલાંગ દર્દીઓને હાલાકી પડે નહીં તે માટે દાતાઓ અને રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી 20થી 25 ઈ-રિક્ષાની ફાળવણી કરી હતી જે આજની સ્થિતીએ કંડમ હાલતમાં છે તો ડ્રાઈવરને બેઠો પગાર અને સિવિલ સર્જનની નિષ્ક્રીયતાથી દર્દીઓને હેરાન-પરેશાન થતાં હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા અશોકસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યો છે.

તંત્ર પાયાની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ
કોંગી નેતાએ મીડિયામાં જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક મોટેભાગે રજા ઉપર હોય છે. જેના લીધે સિવિલ હોસ્પિટલનું વહિવટી તંત્ર ખાડે ગયું છે જેના કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ દર્દીઓ અને તેના સગા-સબંધીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા પ્રજાના ટેક્ષના પૈસાથી લોકોના જન આરોગ્ય માટે હોસ્પિટલ પાછળ કરોડો રૂપિયા ખર્ચવા છતાં રાજ્યનું આરોગ્ય તંત્ર સામાન્ય દર્દીને પાયાની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું છે.

કોંગ્રેસના નેતા અશોકસિંહ વાઘેલા
કોંગ્રેસના નેતા અશોકસિંહ વાઘેલા

દારૂની પરમીટમાં હજારો રૂપિયા ખંખેરે છે
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓની સેવા માટે આપવામાં આવેલી ઈ-રિક્ષા વાહનની સુવિધા સદંતર બંધ કરી દેવામાં આવી છે. અંદાજિત 20થી 25 જેટલી આ રિક્ષાઓ લાખો રૂપિયાના ખર્ચે દાતાઓ પાસેથી દાનમાં મળેલી છે તેમજ સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિ દારૂની પરમીટમાં હજારો રૂપિયા ખંખેરે છે. તે પૈસામાંથી આ ઈ-રિક્ષા વાહનો અને તેનું મેનેજમેન્ટ, ડ્રાઈવરોનો પગાર સહિતની સુવિધાઓના ચૂકવણાઓ કરવામાં આવે છે. પરંતુ, છેલ્લા ઘણા સમયથી આ ઈ-રિક્ષા વાહનો બંધ હોય ત્યારે આ ડ્રાઈવરોને પણ બેઠો પગાર ચૂકવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...