પ્રવેશ પ્રક્રિયા:રાજકોટ શહેરમાં 355 વિદ્યાર્થી RTEમાં પસંદગી પામ્યા પણ એડમિશન ન લીધું!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાલી જગ્યા પર અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે; બીજો રાઉન્ડ સપ્તાહમાં જાહેર થશે

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ધો.1માં ગરીબ અને આર્થિક નબળા બાળકોને વિનામૂલ્યે ભણાવવા એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં રાજકોટમાં કુલ 3942 સીટ સામે 13160 અરજી માન્ય રહી હતી જેમાંથી તારીખ 26 એપ્રિલને મંગળવારે આરટીઈનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાયો હતો. પ્રથમ રાઉન્ડમાં હાલ 3458 બાળકને પ્રવેશ ફાળવાયો હતો પરંતુ તેમાંથી 355 વિદ્યાર્થી એવા છે.

આરટીઈમાં પસંદગી પામ્યા, સ્કૂલની ફાળવણી થઇ પરંતુ તેઓ નક્કી કરેલા દિવસો દરમિયાન જે-તે સ્કૂલે હાજર જ ન થયા. સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ જ ન લીધો. આવી ખાલી પડેલી જગ્યા ઉપર આગામી એકાદ સપ્તાહમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ પણ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

પસંદગી પામેલા વિદ્યાર્થીઓમાંથી કોઈએ પ્રવેશ જતો કર્યો હતો, કોઈએ સ્કૂલ મનગમતી નહીં મળતા પ્રવેશ લીધો ન હતો. જે બાળકો પહેલા રાઉન્ડમાં પસંદગી પામ્યા હતા અને સ્કૂલ ફાળવી હતી તે બાળકોએ તે સ્કૂલમાં 7 દિવસમાં હાજર થવાનું હતું. નિર્ધારિત સમયમાં વિદ્યાર્થી હાજર ન થાય તો ખાલી પડેલી જગ્યા પર 10 દિવસ બાદ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવનાર છે.

રાજકોટમાં આરટીઈ હેઠળ કુલ 13,160 અરજીને માન્ય રહી હતી. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં કુલ 3458 વિદ્યાર્થીને એલોટમેન્ટ લેટરની ફાળવણી કરવામાં આવી હતી. આ જગ્યા ઉપર જે 355 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો નથી તેની ખાલી પડેલી જગ્યા ઉપર બીજો રાઉન્ડ જાહેર કરી અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.

ધોરણ 12 સાયન્સના પેપર ખોલાવવા 23મી સુધી અરજી કરી શકશે
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 12 મેના રોજ જાહેર કરાયું હતું. જે ઉમેદવારો ઉત્તરવહી અવલોકન, ગુણચકાસણી અને ઓએમઆરની નકલ મેળવવાની અરજી કરવા ઈચ્છતા હોય તેઓએ www.gseb.org અથવા sci.gseb.org પર 17 મેના બપોરે 14 કલાકથી 23 મે સાંજે 17 કલાક સુધી અરજી કરી શકશે. આ ઉપરાંત ગુજકેટ-2022ના પરિણામ સામે ઓએમઆરની નકલ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ 17થી 23 મે દરમિયાન ઓનલાઈન અરજી કરી ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...