ટ્રાફિક જમાદાર ભાન ભૂલ્યો:રાજકોટમાં ચિક્કાર દારૂ પી હોટલ બંધ કરાવવા નીકળ્યો, લોકોએ અટકાવ્યો તો કહ્યું- હું તો શૌચાલય બંધ કરાવું છું, હોટલ નહીં

રાજકોટ2 મહિનો પહેલા

રાજકોટમાં નીલકંઠ ટોકિઝ પાસે એક ટ્રાફિક વોર્ડન ચિક્કાર દારૂ પીને દુકાનો અને હોટલો બંધ કરાવવા નીકળ્યો હતો. આ ટ્રાફિક જમાદારને બોલવાનું પણ ભાન રહ્યું નહોતું. આ ટ્રાફિક જમાદારનું નામ નરભેરામ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં ટ્રાફિક જમાદારના ખેલનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જેમાં ટ્રાફિક જમાદારને બોલવાનું પણ ભાન રહ્યું ન હોય તેમ કહે છે કે, હું શૌચાલય બંધ કરાવું છું, હોટલ બંધ ન કરાવું.

વીડિયોમાં જાગૃત નાગરિક અને ટ્રાફિક જમાદાર વચ્ચે થતો સંવાદ

જાગૃત નાગરિકઃ શું ભાઈ દારૂ પીધો છે

ટ્રાફિક જમાદારઃ હોવ

જાગૃત નાગરિકઃ કેટલો પીધો છે, ફુલ પીધો છે

ટ્રાફિક જમાદારઃ હા

જાગૃત નાગરિકઃ દુકાનો કેમ બંધ કરાવો છો?

ટ્રાફિક જમાદારઃ ક્યાં બંધ કરાવું છું

જાગૃત નાગરિકઃ ધોકો સાથે છે

ટ્રાફિક જમાદારઃ હા, જોઈ લ્યો, કોણે દુકાન બંધ કરી, કોણે કરાવી.

જાગૃત નાગરિકઃ તમે ત્રણ વાર દુકાન બંધ કરાવવા આવ્યા, કેટલી વાર

ટ્રાફિક જમાદારઃ સરસ

જાગૃત નાગરિકઃ આવું કરવાનું, દારૂ પીને દુકાન બંધ કરાવો છો

ટ્રાફિક જમાદારઃ એવું જ છે ને, તમારે નોકરી જોઈએ છે, મને કંઈ ભાન નથી, હું તો શૌચાલય બંધ કરાવું, હોટલ બંધ ન કરાવું

નીલકંઠ ટોકિઝ પાસે ટ્રાફિક વોર્ડને દારૂ એટલો પીધો હતો કે બોલવાનું પણ ભાન ન રહ્યું.
નીલકંઠ ટોકિઝ પાસે ટ્રાફિક વોર્ડને દારૂ એટલો પીધો હતો કે બોલવાનું પણ ભાન ન રહ્યું.

ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે
ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ નરભેરામ પટેલ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા નજીકની ચા-પાનની દુકાને પહોંચ્યો હતો, તેણે પોલીસ લખેલું ટીશર્ટ પહેર્યું હતું અને તેના હાથમાં લાઠી હતી, ધોકો બતાવીને નરભેરામ દુકાન સંચાલકોને દુકાન બંધ કરાવવા ધમકાવવા લાગ્યો હતો. થોડી જ વારમાં લોકોનાં ટોળાં એકઠાં થઇ ગયાં હતાં, નરભેરામ જે રીતે બકવાસ કરી રહ્યો હતો તે જોતા તેણે દારૂ ઢીંચ્યાનું લોકોને લાગતા લોકોએ પોતાના મોબાઇલથી તેનું વીડિયો શૂટિંગ શરૂ કર્યું હતું,

નરભેરામને સકંજામાં લેવામાં આવ્યો
ભક્તિનગર પોલીસ સ્ટેશનના PI ચાવડાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક શાખાના જમાદાર નરભેરામ પટેલને સકંજામાં લેવામાં આવ્યો છે. તે નશાખોર હાલતમાં છે અને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવો હુંકાર કરનાર પોલીસ કમિશનર ભાર્ગવ નશાખોર હાલતમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા ટ્રાફિક જમાદાર સામે કેવી કાર્યવાહી કરે છે તેના પર શહેરીજનોની મીટ મંડાઇ છે.

ટ્રાફિક જમાદાર બોલવાના ભાનમાં જ નહોતો.
ટ્રાફિક જમાદાર બોલવાના ભાનમાં જ નહોતો.

ટ્રાફિક જમાદાર લોકોમાં હાંસીને પાત્ર બન્યો
એક તરફ પોલીસ દારૂબંધી કરાવવા અલગ અલગ જગ્યાએ રેડ પાડે છે. ત્યારે ટ્રાફિક જમાદાર જ દારૂ પીને દુકાનો બંધ કરાવવા નીકળે તે કેવું? આવી ચર્ચા લોકોમાં ઊઠી છે. વીડિયોમાં આ ટ્રાફિક વોર્ડન ઘડીભર લોકોને મનોરંજન આપતો હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ટ્રાફિક વોર્ડન જે બોલી રહ્યો હતો તે હાંસીને પાત્ર બન્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેટલી હદ સુધી ટ્રાફિક વોર્ડને દારૂ પીધો છે.