રાજકોટમાં વ્યાજખોરોના આતંકની ઘટના સામે આવી છે. જ્યાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા કારબ્રોકરને રવિવાર રાત્રે તેની જ ઓફિસમાં ઘુસીને વ્યાજખોરોએ ઢોરમાર માર્યો હતો. એ સમયે પોતાનો જીવ બચાવીને કાર બ્રોકર ત્યાંથી નાસીને CP કચેરી પાસે પહોંચ્યો હતો પરંતુ ત્યાં પણ વ્યાજખોરો આવી જતા ઘેનના ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ સીંધી કોલોની ઝુલેલાલ મંદિર પાસે રહેતા સમીર નટવરલાલ તન્ના (ઉ.વ.42) નામના કાર બ્રોકરે રાત્રે 12 વાગ્યે પોલીસને ફોન કરી CPકચેરી સામે ફુટપાથ પર ઘેનના ટીકડા ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
5000ના વ્યાજે 5 લાખ ઉછીના લીધા
પોલીસની તપાસમાં કાર લે-વેચનો ધંધો કરતા અને ઘર પાસે જ ઓફિસ ધરાવતા યુવાને ધંધા માટે ઉદય ચૌહાણ, દિગુભા ચૌહાણ અને જયદીપ ચૌહાણ પાસેથી 5 ટકાના વ્યાજે 7 લાખ અને બાદમાં દરરોજના 5000ના વ્યાજે 5 લાખ ઉછીના લીધા હતાં.
હજુ સુધી કાર વેંચી ન હતી
યુવાને વ્યાજે લીધેલા પૈસા પેટે સીકયુરીટીમાં પોતાની બે કાર આરોપીઓ પાસે ગીરવે મુકી હતી. બાદમાં વ્યાજખોરો પૈસા માંગતા લોહાણા યુવાને ગીરવે મુકેલી બંને કાર વેંચવા માટે ઉપલેટાના વિરમને આપી હતી. પરંતુ વિરમે હજુ સુધી કાર વેંચી ન હતી અને પૈસા પણ આપ્યા ન હતા.
માર મારી ઉઘરાણી કરી
વેંચવા મુકેલી બન્ને કાર નહીં વેંચાતા યુવાન આર્થિક ભીંસમાં આવી ગયો હતો. જ્યારે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. ગઈકાલે રાત્રે લોહાણા યુવાન પોતાના ઘરે હતો ત્યારે ત્રણેય વ્યાજખોર ઉદય ચૌહાણ, દિગુભા ચૌહાણ અને જયદીપ ચૌહાણ પૈસાની પઠાણી ઉઘરાણી કરવા યુવાનને ઘરે ધસી જઈ ઓફિસમાં જ યુવાનને ઢીકાપાટુનો માર મારી પૈસાની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી જતાં રહ્યા હતાં. જેનો LIVE વિડીયો સામે આવ્યો છે.
ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ
બીજીબાજુ વ્યાજખોરોએ ઓફિસમાં ઘુસી યુવાનને માર મારતા લાગી આવતાં મોડીરાત્રે પોલીસ કમિશ્નર કચેરીએ ધસી જઈ પોલીસને ફોન કરી ફુટપાથ પર ઘેનના ટીકડા ખાઈ લીધા હતાં. આ બનાવની જાણ થતાં પ્રધ્યુમનનગર પોલીસ સ્ટાફ હોસ્પિટલ પર દોડી જઈ યુવાનની ફરિયાદ પરથી ત્રણ વ્યાજખોરો સામે મારમારી ધમકી આપવાનો સહિત કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ફરિયાદ નહી લીધી હોવાનો આક્ષેપ
નોંધનીય છે કે જંકશન પ્લોટ સીંધી કોલોનીમાં રહેતા કારબ્રોકર સમીર તન્નાએ વ્યાજખોરો સામે એક માસ પહેલા પ્રધ્યુમનનગર પોલીસમાં અરજી કરી હતી પરંતુ પોલીસે ફરિયાદ લીધી નહી હોવાનો આક્ષેપ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.