વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઉમેદવારો સભા અને રેલીની સાથે સાથે પદયાત્રા કરી ઘરે ઘરે જઇ લોકો પાસે મત માગી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળા કે જેઓએ રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. 176 કરોડની સંપત્તિ ધરાવતા આ સૌથી ધનિક ઉમેદવાર પણ છેલ્લા 5 દિવસથી અલગ અલગ વિસ્તારમાં લગભગ 25 કિલોમીટરથી વધુની પદયાત્રા કરી ઘરે ઘરે જઇ લોકો પાસે મત માગી રહ્યા છે. આજે પ્રચાર કરવા નીકળ્યા એ પહેલા ફટાકડા ફોડી ભાજપના કાર્યકરોએ આતશબાજી કરી હતી.
આજે રામમઢીથી ગુંદાવાડી સુધી પદયાત્રા કરી પ્રચાર
રાજકોટ મહાનગરમાં કુલ ચાર બેઠકોનો સમાવેશ થાય છે અને તેમાં આ વખતે સૌથી હાઇ પ્રોફાઇલ બેઠક રાજકોટ પૂર્વ અને દક્ષિણ બેઠક બની જવા પામી છે. રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ 11 તારીખે ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે સતત પાંચમા દિવસે તેઓ મતવિસ્તારમાં પદયાત્રા કરી ઘરે ઘરે જઇ લોકો પાસે મત માગી રહ્યા છે. આજે તેઓ સવારના સમયે વોર્ડ નંબર 14માં હાથીખાના વિસ્તારમાં રામમઢીથી પદયાત્રા શરૂ કરી જયરાજ પ્લોટ, પેલેસ રોડ અને ગુંદાવાડી સહિતના વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો.
રમેશ ટીલાળાએ 20થી વધુ સભા કરી
મતદારોના ઘરે પહોંચી મત માગવા સાથે સાથે અલગ અલગ દુકાનોમાં વેપારીઓ પાસે પણ પહોંચી તેઓએ ભાજપને મત આપવા અપીલ કરી હતી. તેઓની સાથે આજે આ જ બેઠક પરથી દાવેદારી નોંધાવનાર વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલ અને ધનસુખ ભંડેરી સહિતના નેતાઓ જોવા મળ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, હું એક ખેડૂત પુત્ર છું, ઉદ્યોગપતિ છું માટે ખેડૂતોના અને ઉદ્યોગોના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવીશ. આજ દિવસ સુધી મેં 25 કિલોમીટરથી વધુની પદયાત્રા કરી છે અને 20થી વધુ સભા પણ કરી છે. જેમાં પણ લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
50 હજાર મતની લીડથી જીતનો દાવો
જ્યારે ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, તેઓ રમેશ ટીલાળાની સાથે જ છે અને ભાજપ સરકારે કરેલા કામોની સાથે સાથે નીતિ નિયમ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા નેતાનું નેતૃત્વ હોવાથી લોકો અમને જીત અપાવશે તેવો વિશ્વાસ છે, માટે રાજકોટ દક્ષિણ બેઠક પર 50,000ની લીડથી રમેશ ટીલાળાની જીત નિશ્ચિત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.