• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Before The Dussehra, 44 Kg Of Stale Sweets Were Destroyed On The Spot From The Raids Of The Health Department, Jalaram And Thakkar Farsan.

ચેકીંગ:રાજકોટમાં દશેરા પૂર્વે આરોગ્ય વિભાગના દરોડા, જલારામ અને ઠકકર ફરસાણમાંથી 44 કિલો વાસી મીઠાઇનો સ્થળ પર નાશ કરાયો

રાજકોટએક દિવસ પહેલા
  • - 6 ડેરી અને 30 ફરસાણની દુકાનમાં મીઠાઇના નમુના લેતું ફૂડ તંત્ર
  • - ફૂડ સેફટી ઓન વ્હીકલ્સથી મીઠાઇનું ઓન ધ સ્પોટ ટેસ્ટીંગ કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા મીઠાઇની બનાવટો પર એકસપાયરી ડેટ લખવાનો કાયદો લાગુ કરવા છતાં રાજકોટમાં મોટા ભાગના વેપારી બેસ્ટ બીફોર ડેટ લખતા ન હોય, વાસી માલના પણ વેચાણના ભય વચ્ચે દશેરા પૂર્વેના દિવસે મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખાએ મીઠાઇ બજારમાં મોટા પાયે દરોડા પાડયા છે. જ્યાં જલારામ અને ઠકકર ફરસાણમાંથી 44 કિલો વાસી મીઠાઇનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

ઓન ધ સ્પોટ રીપોર્ટ કરવામાં આવ્યા
નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ, ડેઝી. ઓફિસર અમિત પંચાલ સહિતની ટીમે ગઇકાલથી ફુડ એકટ મુજબ દશેરાના તહેવારને અનુલક્ષીને મીઠાઇ, ફરસાણના ઉત્પાદકો તથા છુટક વેપારીઓને ત્યાં ચેકીંગ શરૂ કર્યુ છે.ગાંધીનગરથી મળેલી ફૂડ સેફટી ઓન વ્હીકલ્સ વાન મારફત 6 ડેરીમાં ઓન ધ સ્પોટ રીપોર્ટ કરવામાં આવ્યા છે. તો 30 દુકાનોમાંથી નમુના લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

એકસપાયરી ડેટના ટેગ મારવામાં આવ્યા નથી
આજે પણ સરકારે ફાળવેલી ફૂડ સેફટી ઓન વ્હીકલ્સ વાન દ્વારા સ્થળ પર ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. બજારમાં મોટા ભાગના છુટક વેપારીઓને ત્યાં ડિસ્પ્લેમાં રહેલી મીઠાઇ એકસપાયરી ડેટ એટલે કે બેસ્ટ બીફોરના ટેગ મારવામાં આવ્યા નથી. દૂધ સહિતની બનાવટની મીઠાઇ પણ થોડા દિવસોમાં બગડે છે. આથી તેના ઉપર પણ ટેગ મારવાનો કાયદો આવી ગયો છે. જેનો મોટા ભાગે અમલ થતો નથી. આવા કારણોથી પણ ત્રણ વેપારીને નોટીસ ફટકારવામાં આવી છે.

મીઠાઇનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું
નાના મવા રોડ, રાજનગર, પંચવટી, કોટેચા મેઇન રોડ, નુતન નગર, યુનિ. રોડ, કીડની હોસ્પિટલ રોડ, પંચાયત ચોક, રવિરત્ન ચોક, ઇન્દીરા સર્કલ, અંબિકા ટાઉનશીપ, રૈયા રોડની 30 દુકાનોમાંથી જલેબી, કાજુ કતરી, ગુલાબ પાક, ગાઠીયા, મહેસુસ, મીઠા સાટા, ફાફડા, બટર મલાઇ લાડુ, સંગમ કતરી, પિસ્તા બરફીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જયારે ફૂડ સેફટી વ્હીકલ્સ મારફત કાલાવડ રોડ નુતનનગરની રામકૃપા ડેરી, ઇન્દીરા સર્કલ પાસેની બેંગાલ સ્વીટસ, યુનિ. રોડની જય ભારત અને રામકૃપા ડેરી, પંચાયત ચોકના કૈલાસ ફરસાણ તથા રાજ શકિત ફરસાણમાં મીઠાઇનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

નોટીસ આપવામાં આવી
સ્થળ પર ટોપરા પાક, થાબડી, બરફી, મલાઇ કેક, રસગુલ્લા, કાજુકતરી, પેંડા, અંજીર પાર્ક, પંચરત્ન લાડુ, કસાટા રોલ, મેંગો બરફી, જેલી બરફી, બટર મલાઇ, કમલ ભોગના ટેસ્ટીંગ કરાતા આ તમામ જગ્યામાં દૂધ, મીઠાસ સહિતના પ્રમાણ યોગ્ય હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. વધુમાં માધાપરના જલારામ ફરસાણમાંથી 30 કિલો વાસી મીઠાઇનો નાશ કરીને આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા નોટીસ આપવામાં આવી છે.

દરોડાની કાર્યવાહી ચાલુ
આ ઉપંરાત રૈયા રોડના ઠકકર ફરસાણમાંથી 14 કિલો વાસી મીઠાઇનો નાશ કરવામાં આવ્યો હતો. માધાપરના ખોડીયાર ફરસાણને પણ નોટીસ અપાઇ છે. તો મીઠાઇના કન્ટેનર પર યુઝડ બાય ડેટ ન લખેલું હોય, ઇન્દીરા સર્કલના બેંગાલ સ્વીટ, પંચાયત ચોકના કૈલાસ અને રાજશકિત ફરસાણને નોટીસ અપાઇ છે. મીઠાઇમાં કૃત્રિમ ગળપણના ઉપયોગ, ચાંદીના વરખના બદલે એલ્યુમીનીયમના ઉપયોગની ફરીયાદો પણ આવે છે. જે સહિતની બાબતો અંગે આજે પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...