રાજકોટના નવા રીંગ રોડ પર અટલ સરોવર પાસે બાલાજી નમકીનના બેકાબૂ ટ્રકે બાઈકને ઠોકરે લેતા પતિની નજર સામે જ પત્નીનું મોત નિપજતા યુનિ. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
મારા પરીવાર સાથે રહું છું
આ બનાવમાં ગાંધીગ્રામના જીવંતિકાનગરમાં રહેતા મૃતકના પતિ કાંતિલાલભાઇ પરષોતમભાઇ મુલીયાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છું તથા રાજકોટ આઇ.ટી.આઇમાં પટ્ટાવાળા તરીકે સરકારી નોકરી કરુ છું.
મારા ઘરેથી પાછા જતા હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું તથા મારા પત્ની મીનાબેન તથા મારા પૌત્ર-પૌત્રી દર્શીતાબ (ઉ.વ.7) અને રુદ્ર (ઉ.વ.5) મારા દીકરા વિશાલના રેસકોર્ષ પાર્કથી મારા ઘરે બાઇકમાં પરત જતા હતા. હું બાઇક ચલાવતો હતો તથા મારા પત્ની પાછળ બેઠા હતા તથા આગળ પૌત્ર રુદ્ર બેસેલ હતો તથા વચ્ચેના ભાગે દિકરી દર્શીતા બેસેલ હતી.
મારા પત્નીના મોઢા પરથી વ્હીલ ફરી વળ્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,નવા 150 ફુટ રિંગ રોડ ઉપર અટલ સરોવરની ગોળાઇના ભાગે આવેલ છે ત્યાથી પસાર થતી વખતે સામેથી એક મોટુ કન્ટેનર બાલાજી વેફર્સ લખેલુ પુર ઝડપે આવી મારી બાઇકને હડફેટે લેતા અમો બધા નીચે પડી ગયેલ જેમાં મારા પત્નીના મોઢા પરથી વ્હીલ ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
108ની ટીમ ઘટના સ્થળે પહોંચી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બનાવથી રોડ પર માણસો ભેગા થઇ જતા કોઇએ 108ને જાણ કરતા ઇએમટીએ તપાસીને મરણ ગયેલનુ જાહેર કર્યું હતું.આ અંગે કન્ટેનરના ચાલક સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવતા પીએસઆઈ એ.બી.વોરા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.