ધંધૂકા હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો:રાજકોટમાં અજીમ સમાને જંગલેશ્વરના રમીઝ સેતાએ હથિયાર આપ્યું હતું, ઢસાથી પોલીસે પકડી ATSને સોંપ્યો

રાજકોટ5 મહિનો પહેલા
ધાર્મિક પોસ્ટ મુદ્દે હત્યા થઈ હતી (મૃતક કિશન ભારવાડની ફાઇલ તસવીર). - Divya Bhaskar
ધાર્મિક પોસ્ટ મુદ્દે હત્યા થઈ હતી (મૃતક કિશન ભારવાડની ફાઇલ તસવીર).
  • કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ
  • રમીઝ સેતા અગાઉ પ્રોહિબિશન સહિત 4 ગુનામાં ઝડપાયો હતો

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. અમદાવાદના મૌલાનાને હથિયાર આપનાર રાજકોટના અજીમ સમાની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. અજીમને રાજકોટના જંગલેશ્વરના રમીઝ સેતાએ હથિયાર આપ્યાનું ખુલતા તે નાસતો ફરતો હતો. પરંતુ આજે ભાવનગરના ઢસાથી પોલીસે તેની ધરપકડ કરી ATSને સોંપ્યો છે. રમીઝ સેતા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાં બે વખત IPC 307ના ગુનામાં પકડાય ચૂક્યો છે. આર્મ્સ એક્ટના ગુનામાં રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી. પ્રોહિબિશનના ગુનામાં રાજકોટ આજીડેમ પોલીસે ધરપકડ કરી હતી. NDPSના કેસમાં સપ્લાયર તરીકે ભક્તિનગર પોલીસે ધરપકડ કરી હતી.

અમદાવાદના મૌલાનાને અજીમે હથિયાર આપ્યું હતું
અમદાવાદના ધંધુકામાં થયેલ કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરવા સમયે ઉપયોગમાં લેવાયેલું હથિયાર રાજકોટથી સપ્લાય થયું હતું. આથી રાજકોટ સુધી પોલીસ તપાસના તાર લંબાયા હતા. શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દૂધસાગર રોડ પર રહેતા અજીમ બસીરભાઈ સમા નામના શખ્સે મૌલાના સુધી હથિયાર પહોંચાડ્યું હતું. આ માટે અજીમ સમાને પકડવા માટે અમદાવાદ પોલીસની એક ટીમ ત્રણ દિવસ પહેલા રાજકોટ આવી હતી પરંતુ અજીમ ફરાર થયો હોવાથી અજીમ તેના હાથે લાગ્યો ન હતો. પરંતુ બીજા દિવસે તે હાથ લાગ્યો હતો.

પાકિસ્તાની સંગઠન સાથે મૌલાના જોડાયેલો
મૌલાના કમરગની ઉસ્માનીએ ATSની પૂછપરછમાં પોતે પાકિસ્તાનના કરાચીમાં આવેલા દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલો હોવાનું ખૂલ્યું હતું. આ પાકિસ્તાની સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ચલાવે છે.

આરોપી અજીમ સમા.
આરોપી અજીમ સમા.

યુવાનોનું બ્રેનવોશ કરી હિંસક બનાવાતા
પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે અમર ગનીએ છેલ્લા 6 મહિનાથી ગુજરાતનાં અલગ અલગ શહેરોની મુલાકાત લીધી હતી. તે ગઝવે હિંદ નામનો ભારતવિરોધી પાકિસ્તાની એજન્ડા લઈને કામ કરી રહ્યો હતો અને ઈન્સ્ટિટ્યૂટની આડમાં યુવાઓનું બ્રેનવોશ કરીને તેમને હિંસક બનાવાઈ રહ્યા હતા. આટલું જ નહીં, પાકિસ્તાનના કેટલાક આતંકીઓ સાથે પણ મૌલાનાની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું તથા ત્રિપુરામાં થયેલી હિંસક બબાલમાં પણ મૌલાના કમર ગની ઉસ્માનીની સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે ગુજરાત ATS કમલેશ તિવારીની હત્યા કેસમાં પણ તેની પૂછપરછ કરશે.

કિશન ભરવાડની હત્યા કેસમાં 7ની ધરપકડ
ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. બે દિવસ પહેલા રાજકોટ SOGએ મિતાણા ગામ પાસેથી અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, SOGએ આરોપીને ATSને સોંપ્યો હતો. જ્યારે આગલા દિવસે સાંજે મોરબીની બી ડિવિઝન પોલીસે અજીમના ભાઈ વસીમને પકડી પાડ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અજીમે અમદાવાદના મૌલાનાને હથિયાર આપ્યું હતું.
અજીમે અમદાવાદના મૌલાનાને હથિયાર આપ્યું હતું.

સમગ્ર બનાવ શું હતો?
25 જાન્યુઆરીએ મંગળવારે કિશન ભરવાડ નામનો યુવક જૂના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જો કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.

વૈમનસ્ય પેદા કરતી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે
રાજકોર શહેર પોલીસની યાદી સરકાર તરફથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, થોડા સમય પહેલા ધંધૂકા ખાતે હત્યાનો બનાવ બનેલી જે અનુસંધાને અમુક લોકો જાહેર શાંતિ ભંગ કરવા તેમજ કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ અને શાંતિ ભંગ કરતી પોસ્ટ મૂકી જાહેર જનતાને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું જણાય આવ્યું છે. તમામે નોંધ લેવી કે કોઈ પણ વ્યક્તિ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે અથવા કોઈ વ્યક્તિ મારફત કરાવશે તો તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સાયબર ક્રાઈમ, રાજકોટ શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર આવી પ્રવૃત્તિ કરતા શખસો ઉપર સતત નજર રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...