કોંગ્રેસ સામે કોંગી સભ્યે જ બાંયો ચડાવી:રાજકોટમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો નાટ્યાત્મક, આવા નેતાઓ સામે FIR નોંધવા ગૃહમંત્રી સમક્ષ માગ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસના સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલીયાએ ટ્વીટ કરી ગૃહમંત્રી સમક્ષ માગ કરી. - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસના સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલીયાએ ટ્વીટ કરી ગૃહમંત્રી સમક્ષ માગ કરી.
  • નેતાઓ વિરોધ વ્યક્ત કરવા 5-15 મળતિયાને લઈ રસ્તા પર ઉતરે છે
  • આવા કાર્યક્રમોથી રોજ જાહેર માર્ગો પર ટ્રાફિકજામના પ્રશ્નો ઉઠે છે

કોંગ્રેસના વિરોધ પ્રદર્શન અને દેખાવાના કાર્યક્રમને કોંગ્રેસના જ સભ્યએ નાટયાત્મક ગણાવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસના સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલીયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને સંબોધી ટ્વીટ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે, પ્રજાની નજરમાં નેતા તરીકે સ્થાન જમાવી રાખવા અને પોતાની જાતને રાજકીય આગેવાન માનનારા અયોગ્ય રાજકીય ગતિવિધિઓથી લોકોને પારાવાર પરેશાન કરી રહ્યા છે. શહેરમાં સરકારના નિર્ણયો સામે વિરોધ વ્યક્ત કરવાની એક પ્રકારની ફેશન થઈ ગઈ છે. પરંતુ લોકોને પડતી મુશ્કેલીને નજર અંદાજ કરે છે. આથી પોલીસની પરવાનગી વગર આંદોલન માટે રસ્તા પર નીકળતા નેતાઓ સામે FIR નોંધવા આપ આદેશ કરો એવી વિનંતી છે.

રસ્તા પર સુત્રોચ્ચાર કરી ટ્રાફિકજામ કરે છે
કાંબલિયાએ વધુમાં જણાવ્યું કે, નેતાઓ વિરોધ વ્યક્ત કરવા માટે પોતાના 5-15 મળતિયાઓને લઈને રસ્તા પર સૂત્રોચ્ચાર કરવા, ચોકમાં ટ્રાફિકજામ કરવા અને પોતાનું રાજકીય મહત્વ પ્રસ્થાપિત કરવા લોકોની મુશ્કેલી બન્યા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ધરમ કાંબલીયાએ આડકતરી રીતે કરેલા આક્ષેપ શહેર કોંગ્રેસ સામે કરવામાં આવ્યા છે. તાજેતરમાં જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં શહેર કોંગ્રેસના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં ધરમ કાંબલિયાએ ટ્વીટ કરી વિરોધ નોંધાવ્યો હતો.

પોલીસ ન આવે ત્યાં સુધી રસ્તા પર અડિંગો જમાવે છે
કાંબલિયાએ વધુમાં જણાવ્યું છે કે, રાજકોટમાં છાશવારે વિરોધ વ્યક્ત કરવા નીકળી પડતા કેટલાક છાપેલા કાટલા જેવા નેતાઓને પરિણામે રસ્તા પર નાટકીય દૃશ્યો સર્જાય છે. જેનાથી લગભગ રોજ જાહેર માર્ગો પર ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઉઠે છે. આવા રાજકીય નેતાઓ પોલીસ ન આવે ત્યાં સુધી જાહેર માર્ગો પર અડિંગો જમાવીને બેસી રહે છે. બાદમાં તેમને પોલીસ ટીંગાટોળી કરીને પોલીસવાનમાં પહોંચાડતી હોય એવી તસવીરો મીડિયામાં આવે છે.

રસ્તા પર કાર્યક્રમો કરતા હોવાથી ઘણીવાર એમ્બ્યુલન્સ પણ ફસાઇ છે
કાંબલિયાએ વધુમાં જણાવ્યું છે કે, એવા અનેક દાખલા છે કે ડમી રાજકીય આગેવાનોના આવા પ્રકારના નાટકથી સ્કૂલે જતા બાળકોની રિક્ષા કે વેન, મહિલાઓ, સગર્ભાઓ, સિનિયર સિટીઝનો કે બીમાર લોકોને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ લાંબો સમય સુધી ટ્રાફિકજામમાં ફસાઇ જાય છે. જેના કારણે બીમાર વ્યક્તિ મૃત્યુનો ભોગ પણ બને છે. આવી અનેક અડચણો ઉભી થાય છે. હકિકતમાં આવા આંદોલનનમાં પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી. નેતાઓને પોલીસ સ્ટેશને લઈ જઈને દાખલારૂપ કાર્યવાહી કે FIR કરવાને બદલે તેમની જૂની ઓળખાણને નાતે ચા–પાણી પીવડાવી માનભેર વિદાય કરે છે. આ સંપૂર્ણ ખોટી પ્રથા છે.

આવા નેતાઓ સામે FIR અથવા દાખલારૂપ કાર્યવાહી કરો
કાંબળિયાએ પોતાની માગણી સાથે જણાવ્યું છે કે, રોજેરોજ નીકળી પડતા આવા ડમી નેતાઓ સામે કોઈ કડક કાર્યવાહી ન કરવા માટે પોલીસ પણ જવાબદાર છે. જો પોલીસ દાખલારૂપ કાર્યવાહી કરવાનું શરૂ કરે કે FIR નોંધે તો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા નીકળી પડેલા ડમી નેતાઓને પોતાની ઓકાતનું પૂરૂ ભાન થઈ શકે તેમ છે. પ્રજાની મુશ્કેલી ઓછી કરવાનો આ જ શ્રેષ્ઠ માર્ગ છે.

અન્ય સમાચારો પણ છે...