શક્તિ સોસાયટી-14માં રહેતા વિજયાબેન ભીખાભાઇ ભલસોડ નામના વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદમાં મુર્તજા ભારમલની પત્ની અને એક અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમને ત્રણ સંતાન છે. તે પૈકી સૌથી મોટો પુત્ર મનીષ પાંચ વર્ષ પહેલા ઘર છોડીને જતો રહ્યો છે. તેની પત્ની અને સંતાનો પોતાની સાથે રહે છે. જયારે નાનો પુત્ર બેંકમાં છે અને પતિ ઇંટોનો ભઠ્ઠો ધરાવે છે.
દરમિયાન શુક્રવારે સવારના પોતે ઘરે હતા. ત્યારે બુરખા પહેરેલી બે મહિલા ડેલી ખોલી સીધી ઉપરના માળે જતી રહી હતી. જ્યાં નાની પુત્રવધૂ હોય બંને મહિલાએ મોબાઇલમાં ફોટો બતાવી આ વ્યક્તિ તમારે શું થાય તેમ કહ્યું હતું. જેથી પુત્રવધૂએ પોતાને બોલાવતા તેમને નીચે મોકલવા કહ્યું હતું. બંને મહિલા નીચે આવી હતી.
નીચે આવ્યા બાદ નજર કરતા એક મહિલા પુત્ર મનીષના મિત્રની પત્ની હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં બંનેએ તેના મોબાઇલમાં ફોટો બતાવી આ વ્યક્તિ તમારે શું થાય છે તેવું પૂછયું હતું. જેથી શું કામ છે તેવું પૂછતા બંને મહિલા ઉશ્કેરાય જઇ ગાળો ભાંડી પોતાની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. તે સમયે પોતે ગળામાં પહેરેલો સોનાનો ચેઇન પકડી તોડી નાંખ્યો હતો.
દરમિયાન બાજુમાં જ રહેતો ભત્રીજો ઘરે આવ્યો હતો અને પોલીસને ફોન કરી દીધો હતો. ત્યારે બંને મહિલાએ તમારા દીકરા મનીષને રૂ.30 લાખ આપ્યા છે, જે રૂપિયા અમને પાછા આપો, અમે હવે રૂપિયા લઇને જ જઇશું તેમ કહી તોડફોડ શરૂ કરી હતી. આટલેથી પત્યું ન હોય તેમ જો રૂપિયા નહિ આપો તો 100 માણસને લઇ સાંજના સમયે પાછા આવીશું, તમને માર મારીશુંની બૂમો પાડવા લાગી હતી. જેથી પાડોશીઓ એકઠા થતા બંને મહિલા સ્કૂટર પર નાસી ગઇ હતી. બનાવ બાદ પોલીસ દોડી આવી તેમને ફરિયાદ નોંધાવવા થોરાળા પોલીસમથક લઇ ગયા હતા. એએસઆઇ જે.પી.નિમાવતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.