વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજકોટ આવી પહોંચ્યા હતા અને તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મોરબીમાં બનેલી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં ભાજપ સરકારની સંડોવણી હોવાનું જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરતા પૂર્વે જનતા મોરબીના પુલની દુર્ઘટનાને યાદ રાખી મતદાન કરે તેવી મારી અપીલ છે. આ છે ગુજરાતનું વિકાસ મોડલ અને આ જ ગુજરાતનું 2-સી મોડેલનું ઉદાહરણ છે. 2-સી એટલે કે કમિશન અને કરપ્શન. ગુજરાતમાં ભાજપની સરકાર છે, જનતા હવે જાગશે નહીં તો મોરબી જેવી દુર્ઘટના વારંવાર બનતી રહેશે.
કેન્દ્ર સરકારે મૃતકના પરિવારને હજી 2 લાખ આપ્યા નથી
આલોક શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં થયેલી દુર્ઘટનાને ગુજરાત હાઇકોર્ટ પણ ગંભીરતાપૂર્વક લઈ રહી છે. મોરબી નગરપાલિકા નોટિસ પણ સ્વીકારતી નથી. સરકાર સ્માર્ટ બનાવની કોશિશ કરે છે, આ ટીપ્પણી હાઇકોર્ટે કરી છે. મૃતકોના પરિવારને 6 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. જો કે કેન્દ્ર સરકારે હજુ સુધી 2 લાખ આપ્યા નથી. અમારી માગ છે કે, મૃતકોના પરિવારજનોને 1 કરોડની સહાય આપવામાં આવે અને પરિવારના આધાર સ્તંભ જે લોકોએ ગુમાવ્યા તેમના પરિવારના સભ્યને રોજગારી આપવામાં આવે. 1 કરોડમાંથી અડધી રકમ ઓરેવા કંપની પાસેથી વસૂલવામાં આવે તે અમારી મુખ્ય માગ છે.
રાજકોટ શહેર આખું ભાજપના હોર્ડિંગ્સથી સજાવેલું છે
આલોક શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં આખું શહેર ભાજપના હોર્ડિંગ્સથી સજાવેલું છે. સરકારી મિલ્કતો જેવી કે વીજપોલ ઉપર ભાજપના હોર્ડિંગ્સ અને બેનરો મારવામાં આવ્યા છે. રાજકોટ મનપાના બે અધિકારીઓ એસ્ટેટ વિભાગના ઓફિસર કાથરોટીયા અને કેપ્ટન બારીયા ભાજપના કાર્યકર્તાની જેમ કામ કરી રહ્યા છે. જેની સામે કાર્યવાહી કરવા ચૂંટણીપંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. આ હોર્ડિંગ્સ-બેનરોનો ખર્ચ ગણવામાં આવ્યો છે કે કેમ? બેનર લગાડવા મંજૂરી કોને આપી? આપી તો શું કામ આપવામાં આવી? સહિતના સવાલો પૂછવામાં આવ્યા છે.
ચૂંટણીપંચ આંખ બંધ કરીને બેઠું છે
આલોક શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે ચૂંટણીપંચ આંખ બંધ કરીને બેઠું છે તેઓએ કોર્પોરેશનના અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઇએ. કોર્પોરેશનના આ બન્ને અધિકારીઓ કેવી રીતે ભાજપ તરફી છે, એક ઉમેદવારે તો કોરોનાના સમયે લોકો પાસેથી લાખો રૂપિયા કમાણી કરી હતી. રાજકોટની જનતા આ ઉમેદવારને માફ નહીં કરે. અમે ચૂંટણીપંચને રજૂઆત કરીશું કે આના પર તપાસ કરવામાં આવે.
21મીએ રાહુલ ગાંધીની રાજકોટમાં સભા
21 નવેમ્બરના રોજ રાજકોટના શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા યોજાશે. જેની તૈયારીને લઈને જગદીશ ઠાકોર ગઇકાલે રાજકોટ આવ્યા હતા. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા કામિનીબાએ ટિકિટ એક એક કરોડમાં વેચાતી હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આરોપમાં કોઈ આધાર જોવા મળશે તો અમે કડક કાર્યવાહી કરીશું. કોઈ મોટી તોપને પણ છોડવામાં આવશે નહીં. કોંગ્રેસ પાત્રતાના આધારે જ ટિકિટ આપે છે. અમે ઓડિયો અંગે સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી છે, અમે પણ તપાસ કરાવીએ છીએ.
પ્રચારથી નહીં ચૂંટણી બૂથ પર જીતાઇ છે
જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારની પસંદગી એકની જ કરવાની હોય, જેમા નાની-મોટી નારાજગી હતી તેવા લોકોને મનાવવામાં અમે મોટેભાગે સફળ રહ્યા છીએ. હજુ પણ નારાજગી હોય તેમને સમજાવવા માટે નેતૃત્વ કામગીરી કરી રહ્યું છે. ભાજપે મિશન સૌરાષ્ટ્ર પર ફોકસ કર્યું છે તેમાં તેઓને માત્ર મીડિયા, સોશિયલ મીડિયા અને પ્રચારમાં દેખાય છે. આ પ્રચારથી ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી બૂથ પર જીતાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.