પાણી ફિલ્ટરની ક્ષમતા 390 MLD થશે:રાજકોટમાં છ માસ બાદ માંગ કરતા વધુ પાણી મહાપાલિકા આપી શકશે

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં પાણીની માંગમાં 1 વર્ષમાં 5 કરોડ લિટરનો વધારો થવાની શક્યતા સામે આગોતરું આયોજન
  • ન્યારી ડેમથી બે નવી પાઈપલાઈનનું કામ ચાલુ છે જે જેટકો ચોકડી અને રૈયાધારમાં બનતા નવા ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચશે, આ કારણે પાણી ઉપાડવાની ક્ષમતા 350થી વધી 450 જ્યારે ફિલ્ટરેશન 325થી 360 એમએલડી થશે

રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા સૌથી મોટી છે, કારણ કે મનપા પાસે પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા વસતી મુજબ છે જ નહીં. તેવામાં નવા વિસ્તારો ભળ્યા છે તેથી પાણીની માંગ પહેલા કરતા પણ વધવા લાગી છે આ કારણે મનપા પોતાના ફિલ્ટર પ્લાન્ટ કે જેની ક્ષમતા 300 એમએલડી એટલે કે 30 કરોડ લિટર પ્રતિદિવસ છે તેના કરતા વધુ ચલાવીને 32.50 કરોડ લિટર પાણી પ્રતિદિવસ ફિલ્ટર કરાઈ રહ્યું છે.

આ ઉપરાંત પાણી ઉપાડવાની લાઈનની ક્ષમતા પણ માંડ 36 કરોડ લિટરની છે. તેવામાં આગામી એક વર્ષમાં વધુ 5 કરોડ લિટર અને બે વર્ષમાં બીજા 5 કરોડ લિટરની માંગ વધશે. આ સ્થિતિને કારણે હાલ પાણી વિતરણ વ્યવસ્થામાં જરા પણ ખામી આવે એટલે આખી સિસ્ટમને અસર થાય છે. આ સ્થિતિ લાંબો સમય ન ચાલી શકે એ માટે થોડા સમય પહેલા જ નવા ફિલ્ટર પ્લાન્ટ અને લાઈન નાખવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી અને આગામી 6 મહિનામાં એ કામ પૂરું થતા રાજકોટને પ્રથમ વખત પોતાની જરૂરિયાત કરતા વધુ પાણી મળી શકશે.

હાલ મનપા આજી-1, ન્યારી-1, ભાદર-1 તથા નર્મદાની લાઈનમાંથી દરરોજ 36 કરોડ લિટર પાણી ઉપાડે છે અને તેને ફિલ્ટર કરાતા 32 કરોડ લિટર પાણીનું વિતરણ કરી શકાય છે. સૌથી પહેલા ફિલ્ટરેશનની ક્ષમતા વધારવા માટે જેટકો ચોકડી અને રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ ડિસેમ્બર સુધીમાં તૈયાર થશે અને આ સાથે પાણી ફિલ્ટરેશનમાં 10 કરોડ લિટરનો વધારો થશે. જૂના પ્લાન્ટ જે હાલ વધારે દબાણમાં કામ કરી રહ્યાં છે તેના પરથી દબાણ હળવું કરી નવા બંને પ્લાન્ટમાં ક્ષમતા કરતા 10 ટકા વધુ કામ કરાવાશે જેથી 39 કરોડ લિટર પાણી મળશે.

આટલા જથ્થામાં પાણી ફિલ્ટર કરવું હોય તો મુખ્ય સ્ત્રોતમાંથી ઉપાડ પણ વધારવો પડે આ માટે ન્યારી-1 ડેમથી 1016 મીમી વ્યાસની એક લાઈન જેટકો ચોકડીના ફિલ્ટર પ્લાન્ટ પર જશે જેનું કામ આગામી 6 મહિનામાં પૂરું થશે. જ્યારે 1219 મીમીની બીજી લાઈન ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ જશે જે 2 મહિનામાં કાર્યરત થશે.

આ બંને લાઈન મારફત 10 કરોડ લિટર પાણી ઉપાડી શકાશે જેથી હાલ 36 કરોડ લિટરની પાણી ઉપાડની ક્ષમતા વધીને 46 કરોડ લિટર થઈ જશે. આ રીતે આગામી છ મહિનામાં પાણી ઉપાડની ક્ષમતા 36 કરોડથી 46 કરોડ અને તેમાંથી 39 કરોડ લિટર પાણી મળશે. નવા વિસ્તારોમાં જ્યાં કામ થઈ રહ્યાં છે તે પૂરા થાય તો 5 કરોડના વધારા સાથે માંગ 37.5 કરોડ લિટર થશે જ્યારે સપ્લાયની ક્ષમતા 39 કરોડ લિટર હશે. આ કારણે પાણીની અછતમાં અંશત: રાહત મળશે.

જ્યાં એકાંતરા પાણી અપાય છે ત્યાં સૌથી વધુ રાહત થશે
રાજકોટ શહેરમાં ભળેલા કોઠારિયાના વિસ્તારો જેવા કે તિરુપતિ, સ્વાતિ પાર્ક, નારાયણનગર તેમજ વાવડી વિસ્તાર, ઘંટેશ્વર, માધાપર મનહરપુરના ઘણા વિસ્તારોમાં રૂડાનું નેટવર્ક હતું અને તે હજુ પણ કાર્યરત છે પણ તેમાં દરરોજને બદલે એકાંતરા પાણી અપાય છે. રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ અને જેટકો ફિલ્ટર પ્લાન્ટ બનતા સૌથી પહેલા આવા વિસ્તારોને પ્રાથમિકતા આપીને ત્યાં દૈનિક 20 મિનિટ પાણી વિતરણ કરીને શહેરના અન્ય વિસ્તારોની સમકક્ષ બનાવાશે.

22.5 કરોડ લિટર ક્ષમતાના પ્લાન્ટ માટે કેન્દ્ર પાસે પ્રોજેક્ટ મુકાયો
ન્યારી અને આજી ડેમ પર 150 અને 75 એમએલડીના બે નવા ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજનામાં ગ્રાન્ટ માટે પ્રોજેક્ટની ફાઈલ મુકાઈ છે. સામાન્ય રીતે વોટરવર્કસના તમામ પ્રોજેક્ટને પ્રાથમિકતા અપાતી હોવાથી આ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ મળે તેવી શક્યતા છે. મંજૂરી મળતાં જ 3 વર્ષમાં આ બંને પ્લાન્ટ બનીને તૈયાર થઈ જશે અને તેને કારણે આજી ડેમ પર જે 30થી વધુ વર્ષ જૂના પ્લાન્ટ છે તેને બદલે નવા વધુ ક્ષમતાના પ્લાન્ટ ચાલુ કરી 22.5 કરોડ લિટરનો ઉમેરો કરી ફિલ્ટર ક્ષમતા 550 એમએલડી સુધી લઈ જવાશે.

અન્ય સમાચારો પણ છે...