રાજકોટના મનહરપુર ગામના પ્રૌઢે ગઈકાલે સાંજે દારૂના નશામાં પત્નીને મારકૂટ કરી ઘરેથી જૂગાર રમવા નિકળી ગયો હતો પરંતુ ગવરીદડ ગામે અન્ય ત્રણ શખ્સ સાથે જુગાર રમતા પ્રૌઢની પોલીસે ધરપકડ કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો જ્યાં મોડીરાત્રે ઈન્વેરૂમમાં જ કોળી પ્રૌઢ ઢળી પડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજતાં સનસનાટી મચી જવા પામી છે.
પોલીસના મારથી મોત થયાનો આક્ષેપ
પોલીસ કસ્ટડીમાં રહેલા કોળી પ્રૌઢનું મોત નિપજ્યાં બાદ પરિવારજનો દ્વારા પોલીસના મારથી પ્રૌઢનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગવરીદળ ગામ પાસે દરોડા પાડ્યા
કુવાડવા પોલીસને મળેલી ચોકકસ બાતમીના આધારે મોરબી રોડ પર ગવરીદળ ગામ પાસે આઈઓસી પ્લાન્ટ પાછળ દરોડો પાડી રાત્રીના દસેક વાગ્યે જાહેરમાં જુગાર રમતા મનહરપુર-2ના જયંતી લાખાભાઈ અગેચલીયા (ઉ.વ.47), ધનાભાઈ રાણાભાઈ ચૌહાણ (ઉ.વ.35), લાખાભાઈ ખોડાભાઈ વકાતર (ઉ.વ.40) અને રણજીત હકાભાઈ મકવાણા (ઉ.વ.45)ની ધરપકડ કરી રૂ. 64,800ની રોકડ અને બે મોબાઈલ સાથે 75,000નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
સારવાર મળે તે પહેલા જ મોત
જુગાર રમતા પકડાયેલા ચારેય શખ્સને કુવાડવા રોડ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને ઈન્વેરૂમમાં નિવેદનની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે મોડીરાત્રે મનહરપુર ગામના જયંતીભાઈ લાખાભાઈ અગેચલીયા (ઉ.વ.47) ઢળી પડતા તાત્કાલિક 108ને બોલાવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રૌઢનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.
મેજીસ્ટ્રીયલ ઈન્કવાયરીનો આદેશ
કોળી પ્રૌઢને પોલીસ કસ્ટડીમાં મારમારવાથી મૃત્યુ નિપજ્યું હોવાની માતા ભાનુબેન, મામા દિલીપભાઈ સહિતના પરિવારજનોએ આક્ષેપ કરતાં પોલીસે મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં જુગાર રમતાં પકડાયેલા આરોપીનું કસ્ટોડીયલ ડેથ થયાની જાણ થતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મેજીસ્ટ્રીયલ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે.
બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી
પોલીસની તપાસમાં દારૂ પીવાની ટેવવાળા જયંતીભાઈ અગેચલીયાએ ગઈકાલે સાંજે દારૂના નશામાં ઘરેથી જુગાર રમવા માટે પૈસા લઈને જઈ રહ્યો હતો ત્યારે પત્ની કિરણબેન (ઉ.વ.35)એ પતિને રોકતા બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી જેના કારણે રોષે ભરાયેલા જયંતીભાઈએ નશાખોર હાલતમાં પત્નીને મારમારી ઘરમાંથી પૈસા લઈ જુગાર રમવા નિકળી ગયો હતો.
ધોકા વડે માર માર્યો
પતિએ ધોકા વડે માર મારતાં ઘવાયેલા કિરણબેન જયંતીભાઈ અગેચણીયા (ઉ.વ.35)ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જેની જાણ પોલીસને કરતા પોલીસે તેની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી હતી ત્યારે જ જયંતીભાઈ અગેચણીયા જુગાર રમતા પકડાઈ ગયો હતો.
ત્રણ શખ્સોની પૂછપરછ હાથ ધરાઈ
જયંતીભાઈ અગેચણીયા મનહરપુરમાં ખેતીકામ કરતા હતા અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ત્રણ ભાઈ એક બહેનમાં નાનો હોવાનું પોલીસે જણાવ્યું છે.આ ઘટના બાદ મેજીસ્ટ્રેટ દ્વારા તપાસ હાથ ધરી ઈન્કવેસ્ટ ભરવાની કાર્યવાહી હાથ ધરી છે અને જયંતીભાઈ સાથે જુગાર રમતા પકડાયેલા અન્ય ત્રણ શખ્સોની પણ પૂછપરછ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.