આજીડેમ ચોકડી નજીક ગજેરા પાર્કમાં પેટ્રોલ પંપની પાછળ રહેતા અને ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરતાં યુવાને સવારે પત્ની સાથે માથાકૂટ કર્યા બાદ ફિનાઇલ પી લીધું હતું. બાદમાં પત્નીને પણ પીવડાવી દેતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ચાર વર્ષ પહેલા આ બંનેના લવમેરેજ કર્યા છે. પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, પતિ સતત શંકા અને મારકૂટ કરી ત્રાસ ગુજારે છે. ગઇકાલે પાઇપથી ફટકાર્યા બાદ આજે સવારે ઈંટ ફટકારી હતી અને બાદમાં ફિનાઇલ પી મને પણ પીવડાવી દીધું હતું. સારવારમાં રહેલી પત્નીએ જણાવ્યું હતું કે તારા માતા-પિતાને ઘરે જઈશ તો ગ્રીષ્મા જેવી હાલત કરી નાખીશની ધમકી આપી પણ આપી હતી. છેલ્લા બે વર્ષથી મારકૂટ કરે છે. આથી સખી વન સ્ટોપમાં મેં ફરિયાદ કરતા પતિએ ખાતરી આપી હતી કે, હું હવે આવું નહીં કરૂ. છતાં હાથ ઉપાડે છે.
પોલીસે બંનેના નિવેદન નોંધી તપાસ હાથ ધરી
રાજકોટના ગજેરા પાર્કમાં રહેતી પરિણીતા સવારે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. પોતાને પતિએ ફિનાઇલ પીવડાવી દીધાનો આક્ષેપ કરતાં તબીબે પોલીસ ચોકીમાં જાણ કરતાં આજીડેમ પોલીસને જાણ કરી હતી. બીજી તરફ પતિ પણ સારવાર માટે દાખલ થયો હતો અને તેણે પોતે ફિનાઇલ પી લીધાનું કહેતાં તેને તબીબે દાખલ કરી પોલીસને જાણ કરી હતી. આજીડેમ પોલીસે બંનેના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
ચાર વર્ષ પહેલા બંનેના લવમેરેજ થયા હતા
પરિણીતાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, મેં ચાર વર્ષ પહેલા કોર્ટમેરેજ કર્યા છે. અમારે સંતાન નથી. પતિ ચાર વર્ષથી ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરે છે. તે સતત મારા પર શંકા કર્યા રાખે છે. નોકરી પર જાય ત્યાં પણ હાજરી પુરાવીને ઘરે આવી જાય છે. બંદોબસ્ત હોય ત્યારે ત્રણ ચાર કલાક નોકરી કરે છે. મારે માવતરે જવું હોય તો પણ ના પાડી ઝઘડો કરે છે. ગઇકાલે મેં માવતરે જવાની વાત કરતાં પાઇપથી ફટકારી હતી. મારા માવતર રણુજા મંદિર પાસે રહે છે. આજે પણ સવારે પતિએ મને ઈંટ ફટકારી હતી અને ઝઘડો કરી પોતે થોડું ફિનાઇલ પી ગયો હતો અને બાદમાં મને પણ પીવડાવી ભાગી ગયો હતો.એ પછી મારા માવતરને જાણ થતાં હોસ્પિટલ દાખલ થઇ હતી. પાછળથી પતિ પણ સારવાર માટે દાખલ થયો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.