કમોસમી વરસાદ:રાજકોટમાં દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ સાંજે વરસાદી છાંટા પડ્યા, રસ્તાઓ ભીના થયા, શિયાળુ પાકને નુકસાનની ભીતિ

રાજકોટ20 દિવસ પહેલા
બહુમાળી ભવન પાસે વરસાદી છાંટાથી રસ્તા ભીંજાયા.
  • જીરૂ, ચણા, ઘઉં, ધાણા સહિત શિયાળુ પાકને નુકસાન થશે

હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટમાં દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બાદમાં સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને વરસાદી છાંટા પડ્યા હતા. આથી રસ્તાઓ ભીના થયા હતા. કમોસમી વરસાદથી શિયાળુ પાકમાં નુકસાનીની ભીતિ સેવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

વરસાદને કારણે ઠંડીનું જોર વધ્યું
શહેરના 150 ફૂટ રિંગ રોડ, જંક્શન, યાજ્ઞીક રોડ, રોસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિત તમામ વિસ્તારોમાં છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આથી ઠંડીનું જોર વધ્યું છે. તેમજ પવન પણ ફૂંકાઈ રહ્યો હોવાથી લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં 15 દિવસમાં બીજીવાર કમોસમી વરસાદ વરસ્યો છે. કાલે પણ વરસાદની આગાહી છે ત્યારે ખેડૂતોને જીરૂ, ચણા, ધાણા, ઘઉંના પાકમાં નુકસાન થવાની ભય સતાવી રહ્યો છે.

વરસાદી છાંટા પડતા ઠંડીનું પ્રમાણ વધ્યું.
વરસાદી છાંટા પડતા ઠંડીનું પ્રમાણ વધ્યું.

મગફળી ન પલળે તે માટે યાર્ડનો મહત્વનો નિર્ણય
રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. યાર્ડના સત્તાધિશોએ નિર્ણય કર્યો છે કે, ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને જ મગફળી યાર્ડમાં લાવી શકશે. જોકે 150 ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ ખેડૂતોને ટોકન આપવામાં આવે છે. જે ખેડૂતને ટોકન આપવામાં આવે તે જ ખેડૂત મગફળી લાવી શકશે. ખેડૂતોની મગફળી ન પલળે તે માટે યાર્ડના સત્તાધિશોએ મહત્વનો નિર્ણય લીધો છે.