• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Youth Poured A Carbo Of Flammable Liquid At A Petrol Pump With The Allegation That He Was Beaten By The Administrator.

આત્મવિલોપનના પ્રયાસનાં LIVE દૃશ્યો:રાજકોટમાં યુવકે પેટ્રોલપંપમાં જ્વલનશીલ પ્રવાહીનો કેરબો શરીર પર રેડ્યો, દીવાસળી ચાંપે એ પહેલાં બચાવી લેવાયો

રાજકોટ4 મહિનો પહેલા
  • બચાવવા ગયેલા યુવક ધડામ દઈ જમીન પર પટકાયો
  • પેટ્રોલપંપના સંચાલકે કહ્યું- અમે યુવાનને માર માર્યો નથી

રાજકોટના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગઇકાલે રાત્રે એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પેટ્રોલપંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની સતર્કતાને કારણે આ યુવાનનો જીવ બચી ગયો હતો, આથી મોટી દુર્ઘટના ટળી હતી. યુવાને આક્ષેપ કર્યો હતો કે થોડા દિવસ પહેલાં પેટ્રોલપંપના સંચાલકે માર માર્યો હતો. હાલ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર દૃશ્યો પેટ્રોલપંપના સીસીટીવીમાં કેદ થયાં છે.

બચાવવા ગયેલા યુવાનનો પગ લપસતાં જમીન પર પટકાયો
સીસીટીવીમાં જોવા મળે છે કે રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગત રાત્રિના 10.51 વાગ્યે મયૂર ભીખાભાઇ સોંદરવા નામનો યુવક જ્વલંવશીલ પદાર્થ સાથે આવ્યો હતો. પેટ્રોલપંપની ઓફિસ પાસે પહોંચી પોતાના શરીર પર કેરબામાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી છાંટવા લાગ્યો હતો. બાદમાં માચીસ કાઢી દીવાસળી ચાંપે એ પહેલાં પેટ્રોલપંપનો સ્ટાફ અને અન્ય લોકો દોડી આવ્યા હતા. એમાંથી એક યુવાન દોડીને આવતો હતો ત્યારે તેનો પગ જ્વલનશીલ પ્રવાહી પડતાં લપસ્યો હતો અને ધડામ દઇને જમીન પર પટકાયો હતો.

બચાવવા ગયેલો યુવાન ધડામ દઈ જમીન પર પટકાયો.
બચાવવા ગયેલો યુવાન ધડામ દઈ જમીન પર પટકાયો.

પેટ્રોલપંપ પર એક મોટી દુર્ઘટના થતાં અટકી
જોકે આ યુવાન ઊભો થઈને મયૂરને રોક્યો હતો. બાદમાં પેટ્રોલપંપમાં કામ કરતા સ્ટાફ તેમજ અન્ય લોકોની સમય સૂચકતા અને સતર્કતાને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. જોકે મયૂરના આત્મવિલોપનને રોકતાં જ પેટ્રોલપંપ પર એક મોટી દુર્ઘટના થતાં અટકી ગઇ હતી. બાદમાં પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી યુવાનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાને માચીસ કાઢી દીવાસળી ચાંપવાનો પ્રયાસ કર્યો.
યુવાને માચીસ કાઢી દીવાસળી ચાંપવાનો પ્રયાસ કર્યો.

પેટ્રોલપંપના સંચાલકે માર માર્યાનો મયૂરનો આક્ષેપ
આત્મવિલોપન કરવા પહોંચેલા મયૂર સોંદરવાએ જણાવ્યું હતું કે આજથી 15 દિવસ પૂર્વે તે પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પુરાવ્યા બાદ શૌચક્રિયા માટે ગયો હતો. તેને પોતાને પથરીની બીમારી હોવાથી થોડી વાર લાગી હતી, આથી પેટ્રોલપંપ સંચાલક દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ માટે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરી, ફરિયાદ કરવાને બદલે પોલીસ મને સમાધાન કરવા કહી રહી છે. ન્યાય ન મળતાં આત્મવિલોપન કરવા નિર્ણય કર્યો હતો.

પેટ્રોલપંપના સ્ટાફે યુવાનને આત્મવિલોપન કરતાં રોકી બચાવ્યો.
પેટ્રોલપંપના સ્ટાફે યુવાનને આત્મવિલોપન કરતાં રોકી બચાવ્યો.

અમે મયૂરને માર માર્યો નથીઃ પેટ્રોલપંપના સંચાલક
બીજી તરફ, પેટ્રોલપંપના સંચાલક કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે તેને માર માર્યો નથી, તે ગાળો બોલતાં ઝપાઝપી થઈ હતી. આ સમયે પણ પોલીસ બોલાવવામાં આવી હતી. જોકે એ સમયે હોસ્પિટલનું બહાનું બનાવી યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઝપાઝપી થઈ એ દિવસે યુવકે પોતાની ઓળખ કેશુભાઇ પટેલના ભત્રીજાનો દીકરો હોવાનું જણાવ્યું હતું.

પેટ્રોલપંપના સીસીટીવીમાં દૃશ્યો કેદ થયાં.
પેટ્રોલપંપના સીસીટીવીમાં દૃશ્યો કેદ થયાં.
પેટ્રોલપંપમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી.
પેટ્રોલપંપમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી.
અન્ય સમાચારો પણ છે...