હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં માણસો સહિત પારેવાં પણ અકળાઈ ઊઠતાં હોય છે. જોકે તેઓ પોતાની વેદના વર્ણવી શકતાં નથી. શહેરનો એક યુવાન આ અબોલ પારેવાંની વેદનાને સારી રીતે જાણી ચૂક્યો છે અને એટલે જ છેલ્લાં 9-9 વર્ષથી આ યુવાન BMW કારમાં 80 કિલો જેટલા બરફની લઈને આવી રેસકોર્સમાં કબૂતરોને ઠંડક કરાવે છે. યુવાનની આ અનોખી સેવાને જોઈને લોકો તેની ભરપૂર પ્રશંસા કરે છે.
બરફ્ની પાટ લઇને રેસકોર્સનાં ચબૂતરામાં નાખે છે
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ શહેરમાં એક અનોખો યુવાન છે. કૌશિકભાઈ કનારા નામનો યુવાન પોતાની BMW કારમાં બરફ્ની પાટ લઇને રેસકોર્સના ચબૂતરામાં નાખે છે અને કબૂતરોને ઠંડક આપી રહ્યો છે. ઉનાળામાં આકરા તાપમાં આ યુવાન દરરોજ 80 કિલો બરફ વડે કબૂતરોને ઠંડક કરાવે છે. તેની અનોખી સેવા વર્ષ 2013થી અવિરત ચાલી રહી છે. આગામી વર્ષોમાં પણ શક્ય ત્યાં સુધી આ સેવા ચાલુ રાખવાનો નિર્ધાર કૌશિકભાઈએ કર્યો છે.
આ કામ કર્યા બાદ જ જમવા જાઉં છું
કૌશિકભાઈ કનારાના જણાવ્યા મુજબ, વર્ષ 2013થી ઉનાળાનાં ચાર મહિના મારી BMW કારમાં 60થી 80 કિલોની બરફ્ની પાટ લઈ આવું છું અને આ બરફની પાટ રેસકોર્સના ખુલ્લા મેદાનમાં નાખું છું કે જ્યાં રોજ અનેક કબૂતર પાણી પીવા આવે છે. મારો નિયમ છે કે આ કામ કર્યા બાદ જ બપોરે ઘરે જમવા જાઉં છું. મારું આ કામ નિહાળીને હવે અન્ય લોકો પણ બરફ મૂકતા થયા છે. ઉપરાંત દર વર્ષે રતનપરમાં અનાથ દીકરીઓને જમાડી જન્મદિવસ ઊજવું છું તેમજ માતા-પિતાની તિથિમાં વૃદ્ધોને જમાડું છું. આવાં કાર્યો કરીને મને એક અનોખો આનંદ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.