ક્રાઇમ:રાજકોટમાં પાડોશી યુવાન સાથે તરૂણીને પ્રેમસંબંધ બંધાયો, પિતાએ બદનામીના ડરે ઘર બદલાવ્યું, છતાં લગ્નની લાલચ આપી યુવાને અવારનવાર દુષ્કર્મ ગુજાર્યુ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પરિવારે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની અટકાયત કરાઇ

રાજકોટ શહેરમાં તરૂણીને લગ્નની સાથે બીજી લાલચો આપી અવાર નવાર હવસનો શિકાર બનાવાયાની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે ભક્તિનગર પોલીસે આરોપી કિશન ભરત ચણિયારા વિરૂદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તરૂણીને પાડોશમાં રહેતા યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આથી પિતાએ સમાજમાં બદનામીના ડરે ઘર બદલાવ્યું હતું. તેમ છતાં કિશને તરૂણી પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગઇકાલે સવારે ઉઠ્યા તો પિતાને પુત્રી પથારીમાં જોવા ન મળી ભોગ બનનાર તરૂણીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અગાઉ દૂધ સાગર રોડ વિસ્તારમાં રહેતા હતા ત્યારે પાડોશીઓ પાસેથી પુત્રીને આરોપી કિશન સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતા પુત્રીને ઠપકો આપી સંબંધ નહીં રાખવા સમજાવી હતી. એટલુ જ નહીં સમાજમાં બદનામીના ડરથી મકાન ખાલી કરી બીજે રહેવા જતા રહ્યા હતા. ગઈકાલે સવારે જ્યારે ઉઠ્યા ત્યારે પુત્રી પથારીમાં જોવા મળી ન હતી. આથી તેની આજુબાજુ અને સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ કોઈ પત્તો નહીં મળતા આરોપી કિશન અંગે તપાસ કરી હતી.

આરોપી કિશન જ પુત્રીને ભગાડી ગયો હોવાની પિતાએ ફરિયાદ નોંધાવી
બાદમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આરોપી કિશન જ તેની પુત્રીને ભગાડી ગયો છે. થોડીવાર બાદ તેની પુત્રી પણ પરત આવી જતા તેની પૂછપરછ કરતા કહ્યું કે, ગઈકાલે રાત્રે તે આરોપી કિશનના ઘરે હતી. એકાદ મહિના પહેલા જ્યારે દૂધ સાગર રોડ વિસ્તારમાં રહેતા હતા ત્યારે આરોપી કિશને તેને લગ્નની લાલચ આપી અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. પુત્રીએ આપેલી આ માહિતીના આધારે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી હતી. આરોપીની ઉંમર 20 વર્ષ છે અને કારખાનામાં કામ કરે છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...