રાજકોટના નાણાવટી ચોકમાં આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે તપાસ કરતા યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા પૂર્વ પ્રેમીએ ત્રાસ આપી માર માર્યો હતો અને માતા પિતાને પણ ગાળો આપતા આપઘાત કરી લીધાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આરોપી યુવકના એક દિવસ પહેલા જ લગ્ન થયા હતા. મૃતકનો મોબાઈલ કબજે લઈ મૃતકના પિતાની ફરિયાદ પરથી યુવક સામે આપઘાતની ફરજ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
રૂમમાં જ યુવતીનો આપઘાત
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના ઇકબાલભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા દિપાલીના માતા-પિતા પ્રસંગમાં ગયા હતા જેથી પરિણીત બહેન અને તેનો ભાઈ ઘરે હતા. ત્યારે દિપાલીએ રૂમમાં જઇ આપઘાત કરી લીધો હતો. દિપાલી બે ભાઈ બે બહેનમાં બીજા નંબરની બહેન હતી. તેણે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે.
પૂર્વ પ્રેમી સામે પોલીસે નોંધી ફરિયાદ
બનાવ મામલે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, દિપાલી અને સુનિલને પ્રેમસબંધ હતો ત્યારબાદ સુનિલનું સગપણ પાટણવાવ સ્થિત રહેતી યુવતી સાથે નક્કી થઈ જતા આ સંબંધનો અંત આવ્યો હતો. આમ છતાં સુનિલ અવારનવાર દિપાલીને ફોન કરતો હતો અને સબંધ રાખવા દબાણ કરતો હતો. આ બનાવમાં દીપાલીના પિતાની ફરિયાદ પરથી તેના જ વિસ્તારમાં રહેતા સુનિલ કુકડીયા(પ્રજાપતિ)સામે ફરિયાદ નોંધાવતા કલમ 306 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
રૂમમાંથી મળી સુસાઈડ નોટ
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે દીપાલીના ઘરે તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, મને આપઘાત માટે મજબૂર કરનાર સુનિલ કુકડીયા છે. તેણે મારા માતા-પિતાને ગાળો આપી હતી અને મારી સાથે મારપીટ પણ કરી છે. સોરી પપ્પા. આ અંગે યુનિવર્સિટી પોલીસના પીએસઆઈ આર.એસ. પરમાર સહિતના સ્ટાફે તપાસની તજવીજ આદરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.