રાજકોટ શહેરના કોઠારિયા રોડથી આજીડેમ ચોકડી તરફ જતાં 80 ફુટ રોડ પર ન્યારા પંપ પાસે રાત્રિના સમયે ત્રંબાના ઢાંઢણી ગામનો યુવાન કનુભાઇ કુરજીભાઇ કુમારખાણીયા પોતાનું બાઇક જીજે-03-એફએલ-2653 લઇ રાજકોટ નોકરી પૂરી કરી ઘરે જતો હતો. ત્યારે તેના બાઇકના પ્લગમાં સ્પાર્ક થતા તેના ટિફિનની થેલી સગળી હતી. બાદમાં આખેઆખું બાઇક જ થોડીવારમાં ભડકે બળ્યું હતું. જો કે આ ઘટનામાં કનુભાઈનો બચાવ થયો હતો.
ફાયરબ્રિગેડ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો
એકાએક બાઇકમાં ભડકો થતાં કનુભાઈ નીચે ઉતરી ગયો હતો. જોત જોતામાં બાઇક સળગી ઉઠ્યું હતું અને નજીકના પેટ્રોલ પંપના કર્મચારીઓએ રેતી, પાણીની ડોલથી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. બાદમાં તુરંત ફાયરબ્રિગેડની ટીમે પણ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આખું બાઇક આગમાં ખાખ થઈ ગયું
યુવાનના કહેવા મુજબ બાઇકના પ્લગમાં અચાનક સ્પાર્ક થયો હતો અને આ કારણે બાઇકમાં ટીંગાડેલી ટિફિનની થેલી સળગી ગઇ હતી. પોતે થેલીની આગ બૂઝાવે એ પહેલા મોટો ભડકો થઇ ગયો હતો અને આખું બાઇક સળગી ગયું હતું. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી.
એક મહિના પહેલા બાઇકના શો-રૂમમાં આગ લાગી હતી
એક મહિના પહેલા શહેરના ગોંડલ રોડ પર આવેલા TVSના શો-રૂમમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે શો-રૂમમાં કાર અને બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આગ વધુ પ્રસરે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. એકરેલીક ફર્નિચરના કારણે માત્ર 10 મિનિટમાં જ આગ સમગ્ર શો રૂમમાં પ્રસરી ગઈ હતી અને 25થી વધુ બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગી ત્યારે 7 લોકોનો સ્ટાફ શો રૂમમાં હાજર હતો. હાલ દરેકને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.