લાપતા:રાજકોટમાં ફોન આપવા બાબતે પિતાએ ઠપકો આપતા ધો.9માં અભ્યાસ કરતો તરુણ ઘરેથી નાસી ગયો, અપહરણની આશંકા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પ્ર.નગર પોલીસે આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

રાજકોટ શહેરના રૂખડીયાપરા વિસ્તારમાં રહેતો અને ધોરણ 9 માં અભ્યાસ કરતો તુષાલ નામનો તરુણ ચારેક દિવસથી લાપતા બની જતા તેના પરીવારજનોએ શોધખોળ કરવા છતાં પતો નહી મળતા ગઇકાલે આખરે પ્રદ્યુમનનગર પોલીસમાં અપહરણની ફરીયાદ નોંધાવતા પોલીસે તરુણની શોધખોળ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકને મોબાઈલ ફોન આપવા બાબતે પિતાએ ઠપકો આપ્યા બાદ તરુણ ઘરેથી ચાલ્યો ગયો હોવાની માહિતી આધારે તપાસ શરૂ કરી છે.

અપહરણનો ગુનો દાખલ
પ્રાપ્ત વિગત મુજબ તુષાલ આખો દિવસ મોબાઈલમાં સમય પસાર કરતો હોવાથી સ્વભાવિક રીતે વાલીઓએ ઠપકો આપ્યો હતો. જેને કારણે તે ગઈ તા.13 ના રોજ બપોરે ઘરેથી નિકળી ગયો હતો જેની જાણ થતા પરીવારજનો હાંફળા ફાંફળા થઈ ગયા હતા અને શકયતઃ તમામ સ્થળોએ શોધખોળ કરી હતી. આમ છતા કોઈ પતો લાગ્યો ન હતો. જેને કારણે પ્રદ્યુમન નગર પોલીસે તેના પિતા હિતેષભાઈ સરધારાની ફરીયાદ પરથી અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.

જમણા હાથની કોણીમાં ઈજાનું નિશાન છે
ફરિયાદી પિતાના જણાવ્યા અનુસાર તુષારે બ્લેક કલરનું ટી-શર્ટ અને બ્લેક કલરનું પેન્ટ પહેરેલું છે. તેના જમણા હાથની કોણીમાં ઈજાનું નિશાન છે. જમણી આંખના નેણ પર ચેકો છે. હાલ પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચકાસી બાળકના પિતાની ફરિયાદ આધારે બાળકની શોધખોળ હાથ ધરી છે.