એક તરફ વેલેન્ટાઇન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકોટમાં યુવતીનો ધરાર પ્રેમી બનતા યુવકને પાસા હેઠળ ધકેલી કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાસા હેઠળ ધકેલાયેલ આરોપી રવિએ આજે ચોકલેટ ડે છે તારે મારુ પ્રપોઝ સ્વીકારવું જ પડશે કહી જાહેરમાં એક યુવતીની છેડતી કરી હતી. જે ફરિયાદ મળતા પોલીસે તુરંત આરોપીની ધરપકડ કરી આજે તેને અમદાવાદ જેલ ખાતે પાસા હેઠળ મોકલવા તજવીજ હાથ ધરી છે..
જાહેરમાં બથભરી લઇ ચેનચાળા કર્યા હતા
શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતાં અને ઢોસાના ખીરાનો ધંધો કરતાં 24 વર્ષના રવિ લાલવાણી નામના શખ્સે રઘવાયા બની પતિથી અલગ રહેતી એક 32 વર્ષની મુસ્લિમ પરિણીતાને ચોકલેટ ડે ના દિવસે સાંજના સમયે રસ્તામાં ઉભી રાખી ‘આજે ચોકલેટ ડે છે, તારે મારી ફ્રેન્ડશીપની પ્રપોઝ સ્વીકારવી જ પડશે, નહિ સ્વીકાર તો મારી નાંખીશ' તેવી ધમકી આપી જાહેરમાં બથ ભરી લઇ ચેનચાળા કરી લેતાં પોલીસે ગુનો નોંધી આ શખ્સને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. સાથે જ આજે વેલેન્ટાઈન દિવસે જ તેની સામે કડક કાર્યવાહી કરી તેને પાસા હેઠળ અમદાવાદ જેલ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બહેનપણીના ઘરે પરિચય થયો હતો
પીડિત મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું સાતેક મહિનાથી સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરુ છું અને મારા પતિ સાથે મારે બનતું ન હોઇ જેથી હું નવેક વર્ષથી અલગ રહુ છું. મારે એક સંતાન છે. સાતેક મહિના પહેલા મારી એક બહેનપણીના સગા એવા રવિ સાથે બહેનપણીના ઘરે પરિચય થયો હતો. એ પછી રવિ અવાર-નવાર મને ફોન કરતો હતો. જેથી મેં તેને ફોન કરવાની ના પાડી હતી.
મેં બહેનપણી સાથે પણ સંબંધ તોડી નાંખ્યો
વધુમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, તેમ છતાં તે ફોન કરી હેરાન કરતો હોઇ મેં મારી બહેનપણીને વાત કરી હતી કે તારા સગામાં છે એ રવિ મને હેરાન કરે છે. જેથી તેણીએ પણ રવિને ઠપકો આપી હેરાન નહિ કરવા કહ્યું હતું. આ પછી મેં બહેનપણી સાથે પણ સંબંધ તોડી નાંખ્યો હતો. આમ છતાં રવિ મારી પાછળ પાછળ આવીને હેરાન કરતો હતો. મેં તેને સ્પષ્ટ કહી દીધુ હતું કે મને આવી કોઇ બાબતમાં રસ નથી, મને હવે ફોન ન કરવો. છતાં તે ફ્રેન્ડશીપ રાખવાનું કહી સતત ફોન કરતો હતો.
તુ મને શું કામ ફોન કરે છે
વધુમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે,દરમિયાન હાલમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું હોઇ બુધવારે 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે હોઇ રવિએ સાંજે સાતેક વાગ્યે પૂનમ કોમ્પલેક્ષ પાસે મને અટકાવી હતી. આથી મેં તેને ‘મારે તારી સાથે કોઇ સંબંધ નથી છતાં તુ મને શું કામ ફોન કરે છે અને ઉભી રાખે છે?' તેમ કહેતાં તેણે કહેલું કે ‘મારે તારી સાથે ફ્રેન્ડશીપ કરવી જ છે, આજે ચોકલેટ ડે છે, અને તારે મારી ફ્રેન્ડશીપની પ્રપોઝ સ્વીકારવી જ પડશે, જો મારી પ્રપોઝ નહિ સ્વીકારે તો હું તને જાનથી મારી નાંખીશ' તેવી ધમકી આપી હતી અને મને પરાણે બથ ભરી લીધી ચેનચાળા કરવા માંડયો હતો. મેં તેને દૂર હડસેલી દીધો હતો અને આજ પછી મારી સામે જોતો પણ નહિ, હું પોલીસ ફરિયાદ કરીશ તેમ કહેતાં તે જતો રહ્યો હતો.આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતી 32 વર્ષિય મહિલાની ફરિયાદ પરથી રવિ બીજલભાઇ લાલવાણી (ઉ.23) નામના શખ્સ વિરૂધ્ધ આઇપીસી 354, 354 (ક), (ઘ) તથા 506(2) મુજબ ગુનો નોંધી ગુરુવારે તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.