આત્મહત્યા:રાજકોટમાં છાતીમાં દુઃખાવો ઉપડતા કંટાળીને મહિલાએ ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લઇ આપઘાત કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ પ્રતિકાત્મક તસવીર છે. - Divya Bhaskar
આ પ્રતિકાત્મક તસવીર છે.
  • મૃતકના લગ્ન 14 વર્ષ પહેલા થયા હતા, સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક સોમનાથ સોસાયટી શેરી નંબર 9/3ના ખુણે રહેતાં ડોલીબેન મયુરભાઇ જડીયા (ઉં.વ.34)એ છાતીમાં દુઃખાવો થતા ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં માતમ છવાય ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

13 નવેમ્બરના રોજ ઝેરી પાવડર પી લીધો હતો
પ્રાપ્ત વિગત મુજબ ડોલીબેન જડીયાએ ગત તારીખ 13 નવેમ્બરના રોજ સવારે સાડા નવેક વાગ્યે પોતાને છાતીમાં દુઃખાવો થતાં ઘરમાં પડેલો ઘઉંમાં નાખવાનો પાવડર પી લેતાં ઝેરી અસર થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહીં સારવાર દરમિયાન ગઇકાલે સાંજે દમ તોડી દેતાં હોસ્પિટલ મારફત જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ASI સાજીદભાઇ એમ. ખેરાણી અને અનુજભાઇએ ત્યાં પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી
પોલીસની પ્રાથમિક તપાસમાં ડોલીબેનના લગ્ન 14 વર્ષ પહેલા થયા હતાં. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. છાતીમાં દુઃખાવો થતો હોય કંટાળીને ઝેરી પાવડર પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.