• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Woman Lawyer, Who Refused To Register The Petitioner's FIR, Gave A Term To The Woman PSI, Alleging That The PSI Pushed And Beat The Advocate.

પોલીસ સ્ટેશનમાં ધમાલ:રાજકોટમાં અરજદારની FIR નોંધવાની ના પાડતા મહિલા વકીલે મહિલા PSIને ગાળો આપી, PSIએ એડવોકેટને ઢસડીને માર માર્યાનો આક્ષેપ

રાજકોટ23 દિવસ પહેલા
મહિલા એડવોકેટ ભુમિકાબેન પટેલ
  • મહિલા વકીલ હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે

રાજકોટના આજીડેમ પોલીસ મથકમાં મહિલા અરજદારે પોતે કરેલી અરજીમાં કોઇ કાર્યવાહી કરી FIR દાખલ કરવી નથી તેવું જણાવી તપાસનીશ મહિલા પીએસઆઇ એમ. ડી. વાળા સમક્ષ નિવેદન લખાવતાં થોડીવાર પછી એ અરજદારને સાથે લઇને આવેલા મહિલા એડવોકેટ ભુમિકાબેને 'અરજદાર ભલે ના પાડે FIR તો લેવી જ પડશે, જ્યાં સુધી FIR દાખલ નહિ થાય ત્યાં સુધી હું બહાર નહિ નીકળું' કહી તેણે અને સાથેના અરજદારે પીએસઆઇ વાળા સાથે ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો આપી ઝપાઝપી કરતાં બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ મહિલા એડવોકેટ પોતાને મારકુટ થયાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થયા છે.

ઝપાઝપી કરવાનો ગુનો નોંધ્યો
આ બનાવમાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એમ. ડી. વાળાએ ફરિયાદી બની દોશી હોસ્પિટલ પાસે જે. ડી. પાઠક પ્લોટ ગુરૂપ્રસાદ ચોક પાસે રહેતાં એડવોકેટ ભુમિકાબેન પરેશભાઇ પટેલ અને તેની સાથેના કોઠારીયા ગામના અનિતાબેન બટુકભાઇ દાસોટીયા સામે આઇપીસી 186, 504, 114 મુજબ ફરજમાં રૂકાવટ કરી ગાળાગાળી અને ઝપાઝપી કરવાનો ગુનો નોંધ્યો છે.

હું આશરે 4.40 વાગ્યે ઓફિસમાં ગયો હતો
PSI એમ. ડી.વાળાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, રવિવારે 3/10ના બપોરે 2 કલાકે હું આજીડેમ પોલીસ સ્ટેશનમાં મારી ફરજ પર હતી. એ સમય દરમિયાન અરજદાર અનિતાબેન બટુકભાઇ દાસોટીયાએ પોતે કરેલી અરજી મામલે મને મળવા આવ્યા હતા. તેણીએ પોતે કરેલી અરજીની આગળ કોઇ પોલીસ કાર્યવાહી કરવી ન હોઇ મને અરજી ફાઇલ કરવા કહ્યું હતું. જેથી મેં તેણીએ લખાવ્યા મુજબનું નિવેદન લખી લીધું હતું. એ પછી 2.30 કલાકે ફરી અરજદાર અનિતાબેન તેમની સાથે વકિલ ભુમિકાબેન પટેલને લઇને આવ્યા હતાં. તે પીઆઇ વી. જે. ચાવડાની ઓફિસમાં તેમને અરજી બાબતે મળવા ગયા હતાં. જેથી પીઆઇએ મને બોલાવતાં હું આશરે 4.40 વાગ્યે ઓફિસમાં ગયો હતો.

આ અરજીમાં FIR જ કરવી છે
વધુમાં PSIએ જણાવ્યું હતું કે, તે વખતે વકિલ ભુમિકાબેને એફઆઇઆર બાબતે પીઆઇને રજૂઆત કરી હતી. જેથી મેં કહેલું કે થોડીવાર પહેલા જ અરજદાર અનિતાબેન મારી પાસે આવી આ અરજીમાં કોઇ કાર્યવાહી કરવી નથી તેવું કહી અરજી ફાઇલ કરવા નિવેદન લખાવી ગયા છે તેવું કહેતાં વકીલ ભુમિકાબેને કહેલું કે અરજદાર અનિતાબેનને ભલે અરજી બાબતે ફરિયાદ ન કરવી હોય પણ મારે આ અરજીમાં FIR જ કરવી છે. તેમ કહ્યું હતુ.

ઉગ્ર અવાજે વાત કરવા માંડતાં દેકારો થયો
વધુમાં PSIએ જણાવ્યું હતું કે,જેથી મેં અરજદારને અરજી બાબતે કંઇ કરવું છે કે કેમ? તેમ ફરીથી પુછતાંતેણે કહેલ કે મારે કોઇ FIR કે કાર્યવાહી કરવી નથી. મારા વકીલ ભુમિકાબેન મને અહિ લાવ્યા છે. એ પછી વકીલ ભુમિકાબેને કહેલું કે હું અરજદારની વકિલ છું, FIR તો તમારે લેવી જ પડશે, કાયદો હું પણ જાણુ છું. તમે FIR લેવાની ના પાડી શકો નહિ. જેથી પીઆઇ વી. જે. ચાવડાએ કહેલું કે અરજદાર અનિતાબેન પોતે ફરિયાદ કરવાની કે કાર્યવાહી કરવાની ના પાડે છે અને તમારી હાજરીમાં તેઓ આ વાત કરે છે તેમ કહી સમજાવતાં ભુમિકાબેને FIR દાખલ કરવાની જીદ કરી હતી. જેથી તેને મેં ખુબ સમજાવ્યા હતા. પરંતુ એ પછી ભુમિકાબેન ખુબ ઉશ્કેરાઇ ગયેલ અને ખુરશી પરથી ઉભા થઇ પીઆઇ સામે આંગળી ચીંધી તુકારેથી વાત કરી ઉગ્ર અવાજે વાત કરવા માંડતાં દેકારો થયો હતો.

ફરજમાં રૂકાવટની કાર્યવાહી કરી
વધુમાં PSIએ જણાવ્યું હતું કે, એ પછી મહિલા કોન્સ. નાઝનીનબેન, પીએસઓ જનકસિંહ વાઘેલા આવી ગયા હતાં અને ભુમિકાબેનને સમજાવ્યા હતાં. એ પછી તેણે મારી સામે પણ 'તું કોણ મને FIRની ના પાડવા વાડી' તેમ કહેતાં મેં તેને ઓફિસની બહાર જવા કહેતાં તેણે 'FIR નહિ થાય ત્યાં સુધી હું કયાંય જવાની નથી' તેમ કહી મારી સાથે ઝપાઝપી કરી હતી અને અરજદાર અનિતાબેને પણ તેમના વકીલનું ઉપરાણુ લઇ આપશબ્દો બોલવા મંડ્યા હતા. ભુમિકાબેને હાથ ઉગામતાં તેને પકડીને PSIની ચેમ્બરમાંથી બહાર લાવી ફરજમાં રૂકાવટની કાર્યવાહી કરી હતી.

વકીલ ભુમિકાબેન પટેલ સિવિલ હોસ્પિટલમાં દાખલ
આ બનાવ બાદ વકીલ ભુમિકાબેન પટેલ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જ્યાં તેણે પોતાને આજીડેમ પોલીસમાં માર મારવામાં આવ્યાનો આક્ષેપ કરતાં તે મુજબની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધાવી હતી. ભુમિકાબેને જણાવ્યું હતું કે મારા અરજદાર પાસે કોરા કાગળમાં સહી લેવામાં આવી હોઇ તે બાબતે રજૂઆત કરવા જતાં મારકુટ કરવામાં આવી હતી. સાંજ પડી જવા છતાં મને બેસાડી રખાઇ હોઇ તે બાબતે રજૂઆત થતાં મારકુટ થઇ હતી.