ચોરીના LIVE દૃશ્યો:રાજકોટમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ રૂ.66 હજારના પટોળાની તસ્કરી કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટ18 દિવસ પહેલા

રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગંગા જમના સરસ્વતી એપાર્ટમેન્ટના બ્લોક નંબર. 22માં રહેતા જીજ્ઞેશભાઇ સુરેશભાઇ ખગ્રામ (ઉ.વ.42) ની દિવાનપરામાં આવેલી દુકાનમાંથી રૂ.66,000ના 7 પટોળાની ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાની ટોળકીએ ચોરી કરી લઈ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

7 પટોળાની ચોરી કરી: દુકાનદાર
જીગ્નેશભાઈ એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું દિવાનપરા મેઇન રોડ પર પુર્ણીમાં એનએક્સ નામની સાડીની દુકાન હુ તથા રૂપેશભાઇ રાચ્છ બન્ને ભાગીદારીમાં ચલાવીએ છીએ અને સાડીનો વેપાર કરીએ છીએ. ગઈકાલ સવારના હુ તથા મારી દુકાનના અન્ય માણસો દુકાનમા સાડી તથા પટોળાનો માલ જેમતેમ પડેલ હોય તે ગોઠવતા હતા. તે દરમ્યાન અમારી દુકાનમા રહેલ પટોળાનો સ્ટોક જેમા રાજકોટ પ્યોર પટોળા નંગ-8 હતા. જેમાથી એક નંગ જોવામાં આવેલ અને બાકીના નંગ-7 જે જોવામા આવેલ નહીં.

ચુંદડીની બુકાની બાંધી આવ્યા હતા
જેથી મે અમારી દુકાનના સી.સી.ટી.વી ફુટેઝ જોતા ગઇ તા.06/11ના રોજ બપોરના આશરે પોણા ચારેક વાગ્યાની આસપાસ બે મહીલા ગ્રાહક તરીકે અમારી દુકાને આવેલ જેમા એક મહીલાએ પોતાના મોઢા પર ચુંદડીની બુકાની બાંધીને આવેલ અને મારી દુકાનના સેલ્સમેન હીરેનભાઇ પાસે આવી અને સાડીની ખરીદી કરવી હોય અને આ હીરેનભાઇ સાડીઓ બતાવતા હોય તે દરમ્યાન આ લેડીઝ બુકાની બાંધેલ બહેને પોતાની રીતે ઉભા થઇને સાડીઓ જોતા હોય તે દરમ્યાન ખાનામાં રાખેલ પટોળા જે આ મહીલાએ એક ખુલ્લી સાડી નીચે રાખી અને તેની સાથે આવેલ મહીલા જે નીચે બેઠેલ હતા. તેની પાસે નીચે ફેકેલ બાદ આ મહીલા પણ તેની બાજુમાં બેસી અને સાડીઓ જોવા લાગ્યા હતા.

ચુંદડીની આડમાં પટોળાની ચોરી કરી
આ સાડીઓ જોતી વખતે બુકાની બાંધેલ મહીલાઓએ જે સાડીની નીચે પટોળા ફેકેલા તેની ઉપર બીજી પણ સાડીઓ રાખી દીધેલ અને સાડીની નીચેથી પટોળા શેરવી પોતે જે લાંબી ચુંદડીની બુકાની બાંધેલ તેની આડમાં છુપાવી નજર ચુકવી અને અલગ અલગ ડિઝાઇના અલગ અલગ કીંમતના કુલ પટોળા નંગ-7 જેની કીંમત રૂ.66,000 જેવી થાય તે આ મહીલાઓ ગ્રાહક તરીકે આવી અમારી નજર ચુકવી છુપાવી ચોરી કરી લઇ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવતા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચરમટા સહિતના સ્ટાફે તપાસ આદરી છે.

સીસીટીવીના આધારે તપાસ શરુ
આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સીસીટીવી મળી આવ્યા હતા જેમાં મહિલા પટોળા સેરવતી નજરે પડે છે. તે મહિલાઓને પકડવા તજવીજ આદરી છે. સીસીટીવીમાં દેખાતી મહિલાઓ ક્યાંય નજરે પડે તો એ ડિવિઝન પોલીસમાં જાણ કરવા પોલીસે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...