રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પ્રેમસંબંધ મુદ્દે યુવાનની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર કેસની હકીકત જણાવવા પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે, બહેનને પ્રેમી સાથે વાત કરતા જોઇ ગયેલા ભાઇએ મિત્ર સાથે મળી યુવકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ઘાયલ પ્રેમીએ સીડી પરથી પડી ગયાનું નિવેદન આપ્યું. જ્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા રસ્તામાં જ યુવાને દમ તોડી દીધો હતો. બીજી તરફ પ્રેમીને મારમાર્યાની જાણ યુવતીને થતા તેણે પણ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
સીડી ચડતી વેળાએ પડી જતા ઇજા થઇ
આ અંગે ડીસીપી ઝોન- 1 પ્રવિણકુમાર મીણાએ મીડિયાને જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા મિથુન બિપીનભાઇ ઠાકુર નામનો 22 વર્ષનો યુવાન મંગળવારે ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીનો સ્ટાફ પૂછપરછ કરવા જતા ગંભીર રીતે ઘવાયેલા મિથુને પોતે સીડી ચડતી વેળાએ પડી જતા ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું.
મિથુન મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલ ચોકીએ કરેલી પ્રાથમિક પૂછપરછ બાદ બનાવની ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. ભક્તિનગર પોલીસ ઇજાગ્રસ્ત યુવાનની પૂછપરછ કરવા પહોંચે તે દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલાયો હતો. પોલીસ તપાસમાં ઇજાગ્રસ્ત મિથુન મૂળ ઉત્તરપ્રદેશનો હોવાનું અને રાજકોટમાં રહી મજૂરીકામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન બુધવારે સવારે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી સુમૈયા રફિકભાઇ કડીવાર નામની 19 વર્ષની યુવતીએ પોતાની જાતે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જે બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી.
આપઘાતનો પ્રયાસ કર્યાનું સુમૈયાએ જણાવ્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપઘાતના પ્રયાસના કારણ અંગે પોલીસે પૂછતા સુમૈયાએ જણાવ્યું કે, તેના પાડોશમાં રહેતા મિથુન નામના યુવક સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને વાતચીત કરી શકે તે માટે મિથુને મોબાઇલ પણ લઇ આપ્યો હતો. જેથી બંને રોજ ફોન પર વાત કરતા હતા. ત્યારે મિથુન સાથે મોબાઇલ પર વાત કરતા ભાઇ સાકીર જોઇ ગયો હતો અને તેને મોબાઇલ લઇ લીધો હતો. જે મોબાઇલમાં પોતાના અને મિથુનના ફોટા હોય તે રોષે ભરાયો હતો. અને મિથુનને બોલાવી ઘર પાસે બેફામ માર માર્યો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. સાકીરે પ્રેમી મિથુનને માર માર્યાની ખબર પડતા આપઘાતનો પ્રયાસ કર્યાનું સુમૈયાએ જણાવ્યું હતું.
મિથુને દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,બીજી તરફ અમદાવાદ સારવાર માટે લઇ જવાયેલા ઇજાગ્રસ્ત મિથુને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. મિથુનનું મોત નીપજ્યાનું જાણવા મળતા પોલીસે તુરંત ખૂની હુમલો કરતા સુમૈયાના ભાઇ શાકીર રફિકભાઈ કડીવારને સકંજામાં લઇ લીધો હતો. તેની પૂછપરછમાં મિથુન પર હુમલો કર્યો તે સમયે તેનો મિત્ર પણ સાથે હોવાની કેફિયત આપતા તેના મિત્ર અબ્દુલ અસલમભાઈ અજમેરની પણ ધરપકડ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.