4 લૂંટારૂ ઝડપાયા:રાજકોટમાં ચાંદીના વેપારીને કારમાં પેસેન્જર તરીકે બેસાડી અપહરણ કરી 16,500ની લૂંટ ચલાવી હતી

રાજકોટ2 મહિનો પહેલા
પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી. - Divya Bhaskar
પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી.

રાજકોટ શહેરમાં ગ્રીનલેન્ડ ચોક નજીક રાજસ્થાનના ચાંદીના વેપારીને કારમાં પેસેન્જર તરીકે બેસાડી બાદ સોની પ્રૌઢનું અપહરણ કરી ગોંધી રાખી 16,500ની લુંટ ચલાવી ચાર શખ્સો નાસી છૂટ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીઓ લોઠડા નજીક વેપારીને મુક્ત કરી કાર છોડી નાસી છૂટ્યા હતા. આ આરોપીઓ રાજકોટમાં હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લૂંટમાં ગયેલા 1500 રૂપિયા પૈકી 700 કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ચાર લૂંટારૂની ધરપકડ કરી
રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક બનેલ અપહરણ અને લૂંટના ગુનામાં આરોપીઓ રાજકોટ હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના ચાર શખ્સોની અટકાયત કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા તેમનું નામ હિમાંશુ ઉર્ફે નરુ પરમાર, ખુશાલ ઉર્ફે એમએલએ રાદડિયા, સુમિત સરવૈયા અને પાર્થ ઉર્ફે ભોલુ ભોજાણીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ગયેલા 1500 રૂપિયા પૈકી 700 કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સોની વેપારીએ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી
પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રાયપુર ગામે રહેતા સત્યનારાયણ અંબાલાલ સોની (ઉં.વ.53)એ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે ચાર અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા. પોલીસ ફરિયાદમાં ચાંદીકામ કરતા સોની પ્રૌઢ જણાવ્યું હતું કે, તેઓ કામ માટે રાજકોટ આવ્યા બાદ રવિવારે સવારે રાજસ્થાન જવા માટે ગ્રીનલેન્ડ ચોકડીએ ઉભા હતા. આ વખતે સોની પ્રૌઢને અર્ટીગા કારના ચાલકે અમદાવાદ સુધી પેસેન્જર તરીકે બેસાડ્યા બાદ સોની પ્રૌઢનું કારમાં બેઠેલા ચાર શખ્સોએ અપહરણ કરી ગોંધી રાખી સોની પ્રૌઢને તેના પુત્ર સંજયને ફોન કરી તેમજ સગા-સંબંધીઓને ફોન કરાવી સોની પ્રૌઢના ખાતામાં પૈસા નખાવ્યા બાદ ખાતામાંથી 15 હજાર ટ્રાન્સફર કરાવી તેમજ સોની પ્રૌઢના ખીસ્સામાં રહેલ 1500 મળી કુલ 16,500ની રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી.

પોલીસે આરોપી પાસેથી કાર કબ્જે કરી.
પોલીસે આરોપી પાસેથી કાર કબ્જે કરી.

'તમારું અપહરણ થઇ ગયું છે, છૂટવું હોય તો પચાસ હજાર આપવા પડશે'
શહેરની ગ્રીનલેન્‍ડ ચોકડીએથી રાજસ્‍થાન જવા માટે જે બસ પકડવાની હતી તે ચૂકાઇ જતાં આ બસ લીંબડી પાસે ઉભી રહેવાની હોઇ ત્‍યાં સુધી પહોંચવા રાજસ્‍થાનના ચાંદીકામના કારીગર ગ્રીનલેન્‍ડ ચોકડીથી એક અર્ટીગા કારમાં બેસતાં તેમાં રહેલા ચાર શખ્‍સોએ ધોકો બતાવી ‘તમારું અપહરણ થઇ ગયું છે, છૂટવું હોય તો પચાસ હજાર આપવા પડશે' કહી ધમકાવતાં ગભરાયેલા રાજસ્‍થાની આધેડે પોતાના પુત્રને ફોન કરી ઓનલાઇન રૂપિયા માગતા પુત્રએ રાજકોટ સ્‍થિત કાકાને બનાવની જાણ કરી હતી. સોની પ્રૌઢના સંબંધીએ પોલીસને વાકેફ કરતાં બી ડિવિઝન પોલીસે મોબાઇલ ટ્રેસ કરી અપહૃત અને અપહરણકારોનું પગેરૂ દબાવી ગોંડલ હાઇવે પર ખોડિયાર હોટેલ પાસે અર્ટીગાને શોધી કાઢતાં લૂંટારૂઓએ કાર ભગાવી મૂકતાં પોલીસે ફિલ્‍મી ઢબે પીછો કરતાં લોઠડા નજીક કાચા રસ્‍તે લૂંટારૂઓ કાર અને અપહૃતને છોડીને ભાગી ગયા હતાં.

લૂંટ માટે તેમના જ અન્ય એક મિત્ર પાસેથી અર્ટિગા કાર મેળવી હતી
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપીઓ ચારેય મિત્ર હોવાનું અને રૂપિયાની જરૂરિયાત હોવાના કારણે રાજકોટમાં આવી લૂંટ કરવા અંગે પ્લાન ઘડ્યો હતો. લૂંટ માટે આરોપીઓએ તેમના જ અન્ય એક મિત્ર પાસેથી અર્ટિગા કાર મેળવી હતી અને બાદમાં લોઠડા નજીક પેટ્રોલ પંપ પાછળ મૂકી દીધી હતી જે કાર માલિકની પુછપરછ કરતા લૂંટનો પર્દાફાશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...