સામુહિક આપઘાતનો પ્રયાસ:રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી દુકાનદારે પત્ની અને પુત્ર સાથે મળી ઝેરી દવા પીધી, એકની હાલત ગંભીર

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
દુકાનદારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. - Divya Bhaskar
દુકાનદારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી દુકાનદારે પત્ની અને પુત્ર સાથે મળી ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં દુકાનદારની હાલત ગંભીર છે. દુકાનદાર ઝેરોક્ષની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. હાલ તો પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પરિવારે કોની પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા, કેટલા લીધા અને કેટલા ટકા વ્યાજે લીધા હતા તે તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.

ઢેબર રોડ પર ઝેરોક્ષની દુકાન ચલાવે છે
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા સોની પરિવારે વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુનિવર્સિટી રોડ પર મિલાપનગર-2માં રહેતા એક દુકાનદારે પત્ની અને પુત્ર સાથે મળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. દુકાનદાર ઢેબર રોડ વનવે પર ઝેરોક્ષની દુકાન ચલાવે છે અને તેમની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દુકાનદારના મોટાભાઈ ઘરે ગયા ને ઘટનાની જાણ થઈ
આજે બપોર સુધી દુકાન ન ખુલતા અને મોબાઈલ પર ફોન ઉપાડતા ન હોવાથી દુકાનદારના મોટાભાઈ તેમના ઘરે ગયા હતા. પરંતુ ઘરે પહોંચતા જ દુકાનદાર, તેમના પત્ની અને તેનો પુત્ર ઝેરી દવા પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. આથી મોટાભાઈએ ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો છે. પોલીસે નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે પુત્રનું નિવેદન નોંધ્યું.
પોલીસે પુત્રનું નિવેદન નોંધ્યું.

ભગવતીપરામાં મહિલાનો દવા પી આપઘાતનો પ્રયાસ
રાજકોટના ભગવતીપરામાં રહેતી મહિલાએ ગઈકાલે રાત્રિના સમયે બહેનના ઘરે ગઈ હતી. ત્યાં તેમણે ઉંદર મારવાની ઝેરી દવા પી જતા તેને તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાના પતિ સફાઈ કામદાર છે. તેઓએ જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલાં તેમના 17 વર્ષના પુત્રનું મોબાઈલ લેતી દેતી મામલે ભાવનગર રોડ પર સમાધાન માટે બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. જેના વિરહમાં આવી તેણે આત્મહત્યાની કોશિશ કરી છે. હાલ પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવાગામમાં પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો
રાજકોટના નવાગામ છપનીયા ક્વાર્ટરમાં રહેતા નીતાબેન ભુપતભાઈ રાઠોડે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને તેમના પતિએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં નીતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નીતાબેનના લગ્નને 11 વર્ષ થયાં હતા. તેમનું માવતર જેતપુર આવેલું છે. તેમને સંતાનમાં એક પુત્ર છે અને પતિ ઇમિટેશનનું કામ કરે છે. ગઈકાલે સાંજે પતિ તેમના પુત્રને લઈ દિવેલીયાપરામાં કામ આપવા ગયા બાદ નીતાબેન ઘરે એકલા હતા અને બન્ને બહારથી પરત આવ્યા ત્યારે બારણું ખોલવા માટે બૂમો પાડી હતી. પરંતુ અંદરથી કોઈ અવાજ આવતો નહોતો અને થોડીવાર બાદ નીતાબેને બારણું ખોલતા તેમના મોં પર ફીણ જોયા બાદ પતિએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

મહિલાની હાલત સુધારા પર.
મહિલાની હાલત સુધારા પર.

પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ દવા પીધી
રાજકોટના લોધિકામાં કાળુભાઇની વાડીમાં રહી મજૂરી કામ કરતાં મૂળ મધ્‍યપ્રદેશના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધિકા પોલીસને જાણ કરી હતી. યુવાનના કહેવા મુજબ તે મૂળ એમપીનો છે અને લોધિકા રહી ખેત મજૂરી કરે છે. પોતાને દારૂ પીવાની ટેવ હોઇ પત્‍નિએ દારૂ પીવા માટે ના પાડતાં બન્ને વચ્‍ચે ઝઘડો થતાં પોતે દવા પી ગયો હતો. પોલીસે તેનું નિવેદન નોંધી તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...