તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ:રાજકોટમાં પોઝિટિવ દર્દીને હજુ વેન્ટિલેટર પર નથી રખાયા, કારણ વહેલું નિદાન

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સારવાર કરતા ડોક્ટર્સ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સારવાર કરતા ડોક્ટર્સ - ફાઇલ તસવીર
  • બીજા પશ્ચિમી દેશ કરતા આપણી રોગપ્રતિકારક શક્તિ વધુ હોઇ શકે પણ તે દેશ કરતા વસ્તી પણ વધારે હોવાથી તકેદારી અત્યંત જરૂરી: ડો. ડોબરિયા

રાજકોટઃ રાજકોટમાં અત્યાર સુધીમાં 10 કેસ પોઝિટિવ આવી ચૂક્યા છે. આ પૈકી તમામની હાલત સ્થિર છે અને એકપણને વેન્ટિલેટરની જરૂર પડી નથી. હજુ પાંચ સાત દિવસ પછી સ્થિતિ સ્પષ્ટ થશે તેમ 4 પોઝિટિવ દર્દીની સારવાર કરનાર ડો. જયેશ ડોબરિયા જણાવી રહ્યા છે. ડો. ડોબરિયાના જણાવ્યા અનુસાર કોરોનાગ્રસ્ત તમામ લોકોને હોસ્પિટલાઈઝેશનની જરૂર પડતી નથી. ઘણા લોકો ચેપ લાગ્યા બાદ ઝડપથી રિકવર કરી જાય છે. અમુક લોકોને જ દાખલ થવાની જરૂર પડે છે તે પૈકી માંડ 10 ટકાને વેન્ટિલેટર પર રખાય છે. આપણે ત્યાં વેન્ટિલેટર પર ખૂબ ઓછા લોકોને મુકાયા છે તેમજ રાજકોટમાં તો એકપણ દર્દીને હજુ વેન્ટિલેટર પર મૂકવાની નોબત આવી નથી. આ પાછળ સૌથી મોટું પરિબળ વહેલું નિદાન થવાનું છે.

7 દિવસ પછી કેટલો સુધારો થાય તે જોવાનું?
રાજકોટમાં જે પોઝિટિવ આવ્યા છે તેમને લક્ષણો દેખાયાના બે ત્રણ દિવસમાં જ દાખલ કરાયા છે સારવાર ચાલી રહી છે. જો 7 દિવસ કરતા મોડું થાય તો સ્થિતિ વધુ બગડી શકે. ઝડપી સારવારને કારણે હજુ સુધી તો કોઇને વેન્ટિલેટર પર રખાયા નથી. જો કે જે દર્દીઓ દાખલ થયા છે તેમને 7 દિવસ પૂરા થાય પછી જોવાનું રહે કે સુધારો કેટલો છે અને વેન્ટિલેટર મૂકવું પડશે કે નહીં. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. મોટા ભાગના દર્દીઓને વેન્ટિલેટર પર મૂક્યા છે તે પશ્ચિમી દેશ કરતા ભારતના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ હોઇ શકે છે. જો કે એ પણ ધ્યાન આપવા જેવી બાબત છે કે આપણે ત્યાં વસતી વધારે છે એટલે વધુ લોકોને ચેપ લાગે તો વેન્ટિલેટરની તાતી જરૂરિયાત ઊભી થઈ શકે છે. લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

સિવિલમાં દાખલ દર્દીઓમાં 40 ટકા રિકવરી આવી
કોરોનાના ચેપમાંથી દર્દીઓમાં કેટલી રિક્વરી આવી છે તે મામલે ડો. જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, આ પ્રમાણ દરેક દર્દીમાં અલગ-અલગ હોય છે. તેમની પાસે દાખલ દર્દીઓમાં ઘણો સુધારો આવ્યો છે અને 40થી 50 ટકા જેટલી રિકવરી આવી છે પણ આ લોકોમાં જ્યાં સુધી કોરોનાના વાઇરસ સક્રિય છે ત્યાં સુધી તો સ્વસ્થ ગણાશે જ નહીં. આ દરમિયાન તેમના સ્વાસ્થ્ય ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય જળવાય તેનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તે માટે પણ તબીબો કાઉન્સેલિંગ સહિતની ટ્રીટમેન્ટ આપે છે.

હોસ્પિટલાઈઝેશનનું આ રીતે સમજો ગણિત

  • જેટલા લોકોને કોરોના થાય તે પૈકી 20 ટકાને હોસ્પિટલની જરૂર
  • દાખલ થયેલા લોકો પૈકી સરેરાશ 10 ટકાને વેન્ટિલેટર પર રખાય છે.
અન્ય સમાચારો પણ છે...