રાજકોટમા વધુ એક વખત 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. શાપર-વેરાવળમા આવેલ કારખાના વિસ્તારમા મજૂરી કામ કરતા પરિવારની 4 વર્ષની માસુમ બાળકી પર સગીર વયના કિશોરે ટીવી જોવા બહાને કારખાનામાં આવેલ ઓરડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બાળકીનો પરિવાર સ્તબ્ધ થઇ ગયો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મજૂરી કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવવા પરિવાર શાપરમાં આવ્યો હતો. જ્યાં તેઓ મજૂરી કામ માટે શાપરના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જતા હતા. એ સમયે 4 વર્ષની માસુમ બાળકી પર નજીકમાં જ રહેતા સગીર વયના કિશોરે કારખાનાની અંદર ઓરડીમાં ટીવી જોવા બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું છે. બાળકી સાથે દુષ્કર્મ થયાની જાણ થતાં બાળકીનો પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં પરિવારે શાપર પોલીસ મથકમાં દુષ્કર્મ આચરનાર સગીર વયના કિશોર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી કડક સજાની માંગ કરી છે.
શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
આ અંગે બાળકીના પિતાની માંગ છે કે, 'આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. જેથી કરી અન્ય કોઈ આ રીતે માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર કરતા પહેલા વિચાર કરે.' હાલ મજુર પરિવારની 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ફરિયાદ શાપર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટનાથી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી દુષ્કર્મ આચરનાર સગીર આરોપીની અટકાયત કરી છે. અને તેનો મેડિકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. હાલ પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલાં પણ આવી ઘટના બની
ઉલ્લેખનીય છે કે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં મજૂરી કામ માટે લોકો આવતા હોય છે અને તેમાં સગીરા તેમજ પુખ્ત વયની દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. રાજકોટ શહેરમાં વર્ષ 2018માં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી બાદમાં મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી હતી. જે બાદ એ જ વર્ષે શાપર વેરાવળ ખાતે કૌટુંબિક ફૂવાએ ચોકલેટ આપી રમાડવાના બહાને બોલાવી 3 વર્ષની માસૂમ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.