પૈસાની ઉઘરાણીમાં હત્યા:રાજકોટમાં સફાઈ કામદાર સાથે ઝઘડો કરી શખસે ધોકાના ઘા મારી પતાવી દીધો, બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટએક મહિનો પહેલા
પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. - Divya Bhaskar
પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.
  • પોલીસે રૈયાધાર અને ધરમનગર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવ્યો

રાજકોટમાં આજે એક હત્યાની ઘટના સામે આવી છે. રૈયાધારમાં રહેતા સફાઈ કામદાર હિતેશ લઢેર પર તેના જ વિસ્તારમાં રહેતા શખસે પૈસાની ઉઘરાણી બાબતે ઝઘડો કર્યો હતો. બાદમાં હિતેશ પર ધોકા વડે હુમલો કરતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હિતેષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. આ ઘટનામાં બે સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ બનાવ બાદ રૈયાધાર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

હિતેશ દુકાન પાસે બેભાન હાલતમાં મળ્યો હતો
શહેરના ધરમનગર વિસ્તારમાં રહેતા હિતેશ ભુપતભાઈ લઢેર (ઉં.વ.33) નામનાં સફાઈ કામદારને તે વિસ્તારમાં રહેતા તૌફીક નામનાં શખસ સાથે માથાકૂટ થઈ હતી. આ ઝઘડા બાદ તૌફીકે બપોરે યુવાન ઉપર ધોકા વડે હુમલો કરી દીધો હતો. જેમાં આ યુવાનને ઈજા થઈ હતી અને તે બેભાન હાલતમાં ક્રિષ્ના જનરલ સ્ટોર પાસે મળ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ તે હોસ્પિટલ પહોંચે તે પૂર્વે તેનું મોત થયું હતું.

વોર્ડ નં. 1માં કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદાર તરીકે નોકરી કરતો
હિતેશ ધરમનગરમાં રહેતો હોય અને તે રૈયાધારમાં રહેતા તૌફીક સાથે ઉઘરાણી બાબતે ઝઘડો થતાં તેનું ત્યાં જ ઢીમ ઢાળી દીધાનું સ્થાનિક લોકોએ જણાવતાં પોલીસ હોસ્પિટલે તેમજ રૈયાધાર ખાતે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક વોર્ડ નં. 1માં કોન્ટ્રાક્ટબેઝમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો. તેને સંતાનમાં એક આઠ વર્ષનો પુત્ર અને 11 વર્ષની પુત્રી છે. તેમજ બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો. આ બનાવની જાણ થતાં તેની પત્ની લક્ષ્મીબેન અને માતા મંજુબેન સહિતનાં પરિવારજનો હોસ્પિટલે દોડી ગયા હતા. તકેદારીના ભાગરૂપે યુનિવર્સિટી પોલીસે રૈયાધાર અને ધરમનગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

પોલીસે જાણ કરી ત્યારે હત્યાની ખબર પડી
મૃતકના મામા અરવિંદભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, હિતેશ મારો ભાણેજ થતો હતો. સવારે સફાઈ કામ માટે નીકળ્યો હતો. બાદમાં આ શખસે તેને માર માર્યો હતો. અમને થયું કે તે કામે જ ગયો છે પણ પાછળથી પોલીસે અમને જાણ કરી ત્યારે ખબર પડી કે હત્યા થઈ છે.

અન્ય સમાચારો પણ છે...