રાજકોટ શહેરના મોટી ટાંકી ચોક નજીક આવેલા હર્ષદ ફર્નિચર માર્ટના ગોડાઉનમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે વિકરાળ આગ લાગતાં ફાયરની ટીમ 4 ગાડીઓ લઈને ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.નોંધનીય છે કે હાલ આગ આંશિક કાબુમાં આવી છે. સતત 5 ફાયર ફાયટરો દ્વારા બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હજી પણ એક- દોઢ કલાક બાદ આગ પર સંપૂર્ણ કાબુ શકશે.
કચરો સળગાવતા આગ લાગી
ફર્નિચરના ગોડાઉનમાં લાકડા વધુ રાખેલા હોવાથી આગને લઇને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. આ અંગે ફર્નિચરના ગોડાઉનના મેનેજર અબ્દુલ ભાઈનું કહેવું છે કે, ગોડાઉનની બાજુમાં રહેવાસીઓ વારંવાર કચરો નાખીને સળગાવતા હોવાના લીધે આગ લાગી છે. આગની ઘટનાને લઈને લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
લાખોનું ફર્નિચર બળીને રાખ
હાલ આગને પગલે કોઈ જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી. આગને કારણે આસપાસના વિસ્તારો તથા ગોડાઉનમાં પણ આગ ફેલાય તેવી શક્યતાને જોતા ફાયર વિભાગ દ્વારા હાલ તો આસપાસ આગ ન ફેલાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતા લાખોનું ફર્નિચર બળીને રાખ થઈ ગયું હતું.
ભારે આર્થિક નુકસાની થવા પામી છે
ગોડાઉનમાં પડેલો ફર્નિચરનો માલસામાન સંપૂર્ણપણે બળીને રાખ થઇ ગયો હતો. જેને લઇને ભારે આર્થિક નુકસાની થવા પામી છે. જોકે આગ લાગતા જ ગોડાઉનમાં કામ કરતા લોકો બહાર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડને જાણ કરી હતી. રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. રાહદારીઓ અને વાહનચાલકો રોડ પર રોકાઇને આ ભયાવહ નજારો જોઇ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.