વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. શહેરના સર્કિટહાઉસ પાસે આવેલા શારદાબાગ નજીક બુધવારે એક યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ પોલીસ ચોકીને થતા તુરંત ઇમર્જન્સી વોર્ડમાં દોડી ગયા હતા. સારવાર લઇ રહેલા યુવાનની પૂછપરછ કરતા તે રેલનગર, મહર્ષિ દયાનંદ ટાઉનશિપમાં રહેતો મિતેષ નરેન્દ્રભાઇ માણેક હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેના પરિવારજનોને તેમજ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
એ ડિવિઝન પોલીસની પૂછપરછમાં મિતેષ લાખાજીરાજ રોડ પર ઓમ સાંઇ નામની કપડાંની દુકાન ધરાવે છે. દરમિયાન ધંધાના કામ માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતા બજારમાં આવતા પાર્થ ભીમાણી, ધમભા ગોહિલ, ટીકુભાઇ, ભાવેશ, રાજભા પાસેથી 10-10 ટકાના વ્યાજે 3-3 લાખ મળી કુલ રૂ.15 લાખ લીધા હતા.
પાંચેય શખ્સને સમયસર વ્યાજ સહિતની રકમ ચૂકવતો હતો. ત્યારે ધંધામાં મંદી આવતા પોતે વ્યાજ સાથેની રકમ ચૂકવવામાં અસમર્થ રહેતા પાંચેય શખ્સ ઘરે તેમજ દુકાને આવી પઠાણી ઉઘરાણી કરતા હતા. રોજ દુકાને તેમજ ઘરે આવી નાણાંની ઉઘરાણી કરતા હોવાથી દુકાન વેચીને પાંચેય શખ્સને પચાસ ટકા જેટલી રકમ ચૂકવી દીધી હતી.
વ્યાજખોરોને નાણાં ચૂકવી શકે તેમ ન હોવાથી પોતે ઘર છોડીને મુંબઇ જતો રહ્યો હતો. બે દિવસ પહેલા જ મુંબઇથી પરત રાજકોટ આવતા ફરી પઠાણી ઉઘરાણી કરી પાંચેય શખ્સે ધમકી દેતા ફિનાઇલ પી લીધું હોવાનું યુવાને જણાવ્યું છે. એ ડિવિઝન પોલીસે સારવાર લઇ રહેલા યુવાનની ફરિયાદ પરથી પાંચેય વ્યાજખોરો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં રસુલપરામાં વિદેશી દારૂ વેચવા આવેલો રંગીલાપાર્ક મેઇન રોડ પર રહેતા અરવિંદ ભવાન ઠુમ્મર નામના શખ્સને વિદેશી દારૂની 18 બોટલ સાથે પકડી પાડ્યો હતો. વિદેશી દારૂ સરધારના સંજય નામના શખ્સ પાસેથી લઇ આવ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બંને સામે ગુનો નોંધી સપ્લાયરને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.