રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાધ્વી સહીત 7થી 8 લોકો કારમાં આવી રૂપિયા એકના ડબલ કરી આવાની લાલચ આપી 11 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આથી ક્રાઇમ બ્રાન્ચે આજે સાધ્વી સહિત ત્રણની ધરપકડ કરી અન્ય ચાર શખસની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 11 લાખ રોકડ તેમજ એક કાર અને 3 મોબાઈલ સહિત કુલ 13.75 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ અત્યારસુધીમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી લોકો સાથે 52 લાખની છેતરપિંડી આચર્યાનું ખુલ્યું છે. મહિલા આરોપી માતાજી બની ફરિયાદીના ઘરે ધાર્મિક વિધિનો ઢોંગ કરતી હતી.
રાજકોટના એક વ્યક્તિ સાથે 11 લાખની છેતરપિંડી થઈ હતી
રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ પોતાની સાથે 11 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભોગ બનનાર વ્યક્તિએ એક ટોળકી દ્વારા ડબલ રૂપિયા આપવાની લાલચ આપીને ઘરે આવીને ધાર્મિક વિધિના નામે રૂપિયા લઇને રફુચક્કર થઇ ગયા હોવાની પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આ ટોળકીની તપાસ શરૂ કરી દરમિયાન બાતમીના આધારે પોલીસે આજીડેમ ચોકડી નજીકથી એક કારમાં સવાર આ ત્રણ શખસને ધાર્મિક વિધિનો સામાન 11 લાખ રૂપિયા રોકડા પકડી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
આ રહ્યા આ ગેંગના આરોપીના નામ
પોલીસ તપાસમાં આ ત્રણેય શખસના નામ લતા ઉર્ફે માતાજી જીતયા, ઇમ્તિયાઝ સિંધી, આકાશ શર્મા હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય તેના અન્ય સાથી સલીમ, શાન્તુજી ઠાકોર, ભરત અને જીવાભા સાથે મળીને ધાર્મિક વિધિની આળમાં બમણાં રૂપિયા કરવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હોવાની કબૂલાત આપી હતી.
કઇ રીતે આચરતા છેતરપિંડી?
પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકી છેલ્લા ઘણાં સમયથી સક્રિય છે. પકડાયેલા આરોપી પૈકી મહિલા આરોપી લતા પોતે માતાજી હોવાનો ઢોંગ કરતી હતી. જ્યારે ટેક્સી ડ્રાઇવર આકાશ શર્મા સિવાયના પાંચ શખસ શિકારની શોધમાં ફરતા હતા. જો કોઇ શિકાર તેના સકંજામાં આવી જાય તો તેના રૂપિયા ડબલ થઇ જશે તેવી લાલચ આપતા હતા. આ ટોળકી પહેલા ગ્રાહકને શોધતી હતી. બાદમાં આ ટોળકી માતાજી પાસે મુલાકાત કરાવતી હતી અને માતાજી કહેશે તે પ્રમાણે વિધિ કરવી પડશે તેવું કહીને તેના ઘરે લઇ જતી હતી. જ્યાં જે-તે વ્યક્તિને વિધિ માટે બે મીટર સફેદ કાપડ, બેથી ત્રણ કિલો ગુલાબના ફૂલ, અગરબત્તી, 250 ગ્રામ ચવાણું, 250 ગ્રામ પેંડા, બે પાણીની બોટલ, એક સીગારેટના પેકેટ તૈયાર રાખવાનું કહેતા હતા.
જે-તે વ્યક્તિના ઘરે આનંદ શર્માની ટેક્સીમાં માતાજી જતા
બાદમાં નક્કી થયા મુજબ જે-તે વ્યક્તિના ઘરે આનંદ શર્માની ટેક્સીમાં માતાજી જતા હતા ત્યાં પહોંચીને ઘરમાં વચ્ચે સફેદ કપડું રાખીને પહેલા તેમાં ગુલાબના ફૂલો પાથરતા હતા અને પછી અગરબત્તી કરતા હતા અને જેટલા રૂપિયા ડબલ કરવા હોય તે ત્યાં મૂકીને તેને ચાંદલો કરતા હતા. પછી જે-તે વ્યક્તિને એક વાસણ લાવવાનું કહીને થોડા સમય માટે બહાર જવાનું કહેતા હતા. જ્યારે ઘરની વ્યક્તિ બહાર જાય ત્યારે તે વાસણમાં ગુલાબ પાથરીને તેમાં થોડી નોટો છૂટ્ટી મૂકીને સફેદ કલરનું કપડું ઢાંકી લેતા હતા. ઘરની વ્યક્તિને આ કપડું નહીં ખોલવા અને ચાર-પાંચ દિવસ સુધી દરરોજ અગરબત્તી કરવાનું કહેતા હતા અને ફોન આવ્યા બાદ જ આ કપડું ખોલવાનું કહેતા હતા. આટલું કહીને આ ટોળકી રૂપિયા લઇને રફુચક્કર થઇ જતી હતી.
અત્યારસુધીમાં આ ટોળકીએ 52 લાખની છેતરપિંડી કરી
પોલીસના કહેવા પ્રમાણે આ ટોળકી અત્યારસુધીમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અંકલેશ્વર, થરાદ અને સુરતના વરાછા વિસ્તારમાં આ રીતે 52 લાખ રૂપિયાની છેતરપિંડી કરી ચૂકી છે. જ્યારે ચાર સ્થળોએ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. આ તમામ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. હાલમાં પોલીસ આ ટોળકીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી રહી છે અને આ ટોળકીએ સૌરાષ્ટ્રમાં અન્ય કોને કોને શિકાર બનાવ્યા તે દિશામાં પૂછપરછ કરી રહી છે. જ્યારે આ ગેંગના બાકીના ફરાર શખસોની પણ શોધખોળ કરી રહી છે. આપ પણ થઇ જજો સાવધાન અને રહેજો ખબરદાર શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચમાં ક્યાંક આવી ટોળકીના શિકાર ન બની જતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.