રાજકોટના ગોંડલ રોડ પર રવેચીનગરમાં યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં માત્ર રૂપિયા 15 હજારની લેતીદેતીમાં મિત્રએ જ આ હત્યા કર્યાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આજીડેમ પોલીસે હત્યા કરનાર મિત્રની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક વિરેન્દ્ર આરોપીના ઘરની દીવાલ કૂદીને ચોરી કરવાનો પ્રયાસ કરતા લાકડાના ધોકા વડે ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
મૃતકના શરીર પર ઇજાના નિશાન મળ્યા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ગોંડલ રોડ પર આવેલ રવેચીનગર મેઈન રોડ શિવ હોટલ નજીક તારીખ 7 જાન્યુઆરીના વિરેન્દ્ર ગુડડું રાજભર નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતકના શરીર પર ઇજાના નિશાન હોવાથી પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, બજરંગ સોસાયટીમાં રહેતા કિશન વીનું દેત્રોજાએ જ તેના મિત્ર વિરેન્દ્રની હત્યા કરી છે. જેને આધારે આજીડેમ પોલીસને માહિતી મળી હતી કે આરોપી કિશન ભાવનગર જિલ્લાના શિંહોર હોવાથી પોલીસે દબોચી લીધો હતો. હાલ પોલીસે આરોપી કિશનની વધુ પૂછપરછ શરૂ કરી છે.
મૃતક વિરેન્દ્ર આરોપી કિશન સાથે રહેવા આવી ગયો
પોલીસમાંથી મળતી માહિતી મુજબ, મૃતક વીરેન્દ્ર રાજભર દોઢ વર્ષ પહેલાં કુબલિયા પરા ખાતે આરોપી કિશન દેત્રોજાના સાસુ સાથે રહેતો અને કામ કરતો હતો. જોકે આરોપી કિશનના સાસુ મંજુબેનનું મૃત્યુ થતા મૃતક વિરેન્દ્ર આરોપી કિશન સાથે રહેવા આવી ગયો હતો અને આરોપી કિશનની રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો. આરોપી કિશન અને મૃતક વિરેન્દ્ર વચ્ચે રૂપિયા 15 હજારની લેતી-દેતી થઈ હતી જેનું મનદુઃખ ચાલતું હતું. મૃતક વિરેન્દ્ર આરોપી કિશનના ઘરની દીવાલ કૂદીને ઘરમાં ચોરીનો પ્રયાસ કરતો હતો ત્યારે કિશન જોઈ જતા લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેમાં વિરેન્દ્રનું મોત થતા આરોપી કિશન લાશ ઢસળીને ગોંડલ હાઈવે પર ડિવાઈડર પાસે મૂકી ફરાર થઇ ગયો હતો. હાલ આરોપી પોલીસ સકંજામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ
આરોપી કિશને મિત્ર વિરેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે આરોપીને એમ હતું કે, તે આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેશે. પરંતુ પોલીસ તપાસમાં મિત્ર જ મિત્રતાનો હત્યારો હોવાનું ખુલતા આરોપી કિશન પોલીસ સકંજામાં આવતા પોલીસે જેલના સળિયા ગણતો કરી દીધી હતો. પોલીસ તપાસમાં હત્યા પાછળ ચોરી કરવાનો પ્રયાસ જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે દીશામાં તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.