વ્યાજખોરની પઠાણી ઉઘરાણી:રાજકોટમાં કારખાનેદારે 5% વ્યાજે 3 લાખ લીધા, 4.70 લાખ ચૂકવ્યા છતાં ઘરે આવી પરિવારને ધમકી આપી 3 લાખ માગ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગઇકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ જિલ્લાના પોલીસ વડાઓ સાથે બેઠક કરી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપતા આજથી જ વ્યાજખોરો સામે કાર્યવાહીનો દૌર શરૂ થઈ ગયો છે. બાપુનગર મેઈન રોડ પર જિલ્લા ગાર્ડન સ્લમ કવાર્ટરમાં રહેતા અને ઘરે ઈમીટેશનને લગતો વ્યવસાય કરતાં નીલેશભાઈ લાલજીભાઈ શેખ (ઉ.વ.36)એ વ્યાજે લીધેલા રૂ. 3 લાખના બદલે 4.70 લાખ ચૂકવી દીધા હોવા છતા વ્યાજખોર અકીબ ઉર્ફે હકો રફિકભાઈ મેતરે તેની પાસે વધુ રૂ. 3 લાખ માંગી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી પ્રોમીસરી નોટ અને કોરા ચેક બળજબરીથી લખાવી લઈ તેના ઘરે જઈ પરિવારજનોને ગાળો આપી ધમકી આપ્યાની ભકિતનગર પોલીસમાં મનીલેન્ડ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

ધંધામાં નુકસાની આવી
નિલેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે, અગાઉ 2016થી 2019 સુધી 80 ફૂટ મેઈન રોડ પર રામાણી ડેલામાં ઓમ એન્ટરપ્રાઈઝ નામે ઘડિયાળ ડાયલનું કારખાનું ધરાવતો હતો. પરંતુ ધંધામાં નુકસાની જતા ધંધો બંધ કરી દીધો હતો. તે તેના પિતાની હયાતીમાં પેડક રોડ ઉપર આવેલ એક ધાર્મિક સ્થળે જતા હતા. જ્યાં 20 વર્ષ પહેલા હબીબભાઈ મેતર સાથે તેનો પરિચય થયા બાદ તેના બન્ને પુત્રો અકિલ ઉર્ફે હકો અને રફિક સાથે પણ સંબંધો સારા થઈ ગયા હતા.

સિક્યોરિટી માટે કાર ગીરવે રાખી
કારખાનું ધરાવતા તેને 2017માં નુકસાની જતાં ધંધાકીય રોટેશન ચલાવવા આરોપી અકિલ પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂ.3 લાખ લીધા હતા. આ સમયે સિક્યોરિટી પેટે તેણે તેની કાર ગીરવે રાખી હતી. જે કારના હપ્તા ન ભરતા બાદમાં 2019માં બેંકે જપ્ત કરી લીધી હતી. જે આરોપીને દર મહિને રૂ.15 હજાર વ્યાજ ચૂકવતો હતો.

વ્યાજખોરે 3 લાખ આપવાના બાકી હોવાનું કહ્યું
આમ બે વર્ષ સુધી ચાલ્યા બાદ 2019નાં વર્ષમાં તેને 75 હજાર અને 2022ના વર્ષમાં 35 હજાર અલગ-અલગ સમયે ચૂકવી દીધા હતા. ત્યારબાદ ગત 3/10/22નાં આરોપીએ તેને બોલાવી તારે મને રૂ.3 લાખ વ્યાજના ચૂકવવાના બાકી છે કહી પેડક રોડ ઉપર વકીલની ઓફિસે તેની પાસે રૂ.300ના સ્ટેમ્પ પેપર પર પ્રોમીસરી નોટનું લખાણ કરાવી લીધું હતું અને બેંકના બે ચેક બળજબરીથી સિક્યોરિટી પેટે લઈ લીધા હતા.

માતા સાથે ગાળાગાળી કરી ધમકી આપી
તેણે આરોપીને અત્યારસુધીમાં 4.70 લાખ જેટલા ચૂકવી દીધા હોવા છતા તેણે ગત તા.24/12/22નાં તેના ઘરે જઈ તેના માતાની સાથે ગાળાગાળી કરી સાંજ સુધીમાં વ્યાજે લીધેલા પૈસા આપી દેજો નહીંતર તમારા દીકરા નિલેશનો પગ તોડી નાખીશ અને સવાર સુધીમાં તેને રહેવા નહીં દઉં તેમ ધમકી આપી ભાગી ગયો હતો. હાલ ભક્તિનગર પોલીસે નિલેશભાઈની ફરિયાદ પરથી અકિલ મેતર સામે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...