રાજકોટ શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે સવારે મંગળા રોડ પરથી પસાર થઇ રહેલી હોસ્પિટલની નર્સની દારૂના નશામાં ચૂર એક આધેડે જાહેરમાં છેડતી કરી 10થી વધુ તમાચા ઝીક્યાં હતા અને નર્સની સાથે અડપલા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેને પગલે નર્સે પ્રતિકાર રૂપે આધેડને 3-4 તમાચા ઝીક્યાં હતા. આમ છતાં પણ આધેડે નર્સનો પીછો છોડ્યો ન હતો. બાદમાં લોકોએ એકઠાં થઈ આધેડને પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
રાહદારીઓએ લાકડીથી મારી આધેડની સાન ઠેકાણે લાવી
CCTVમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આટઆટલું થયા પછી પણ દારૂના નશામાં ચૂર આધેડે અડપલા કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી રાહદારીઓ નર્સની મદદે આવી ગયા હતા અને આધેડને અટકાવ્યો હતો. છતાં પણ દારૂના નશામાં બેફામ બનેલો આધેડ રાહદારીઓ સાથે પણ ઝઘડવા લાગ્યો હતો. જેથી રાહદારીઓએ તેને લાકડીથી મારી સાન ઠેકાણે લાવી હતી. હાલ આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેને પગલે એ ડિવિઝન પોલીસે વિજય પ્લોટમાં રહેતા આરોપી ભાવેશ બીજલભાઈ ઝરીયા ( ઉ.વ. 45 )ની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાણીદાર નેતાઓ શું પગલાઓ લેશે
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, સદનસીબે આ શખ્સથી દીકરીની લાજ બચી નહીતર તાજેતરની સુરત ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા શું વાર લાગત ? ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીજી સુરતની ઘટનાક્રમ બાદ કહ્યું હતું કે, બેનદીકરીઓની છેડતી કરનારને પોલીસ છોડશે નહી અને આકરી સજા કરશે. ત્યારે પોલીસ કમિશ્નર વિહોણા રાજકોટ શહેરની આજની આ ઘટના બાબતે સરકાર પોલીસ અને ભાજપના કહેવાતા પાણીદાર નેતાઓ શું પગલાઓ લેશે ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.