વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા, LIVE:રાજકોટમાં ગાયે સતત 3 મિનિટ વૃદ્ધને રગદોળ્યા, ગાયના માલિક સામે પ્રથમવાર ગુનો, પુત્રએ કહ્યું- કાર્યવાહી નહીં થાય તો અન્નનો ત્યાગ કરીશ

રાજકોટ3 મહિનો પહેલા

રાજકોટના ગોપાલ ચોક નજીક સ્કાય કિડ્સ સ્કૂલની સામે ગત 8 નવેમ્બરના રોજ સવારે 7.45 વાગ્યાની આસપાસ રસિકલાલ ઠકરાર નામના વૃદ્ધ ચાલીને જતા હતા. આ સમયે કાળા રંગની એક ગાયે અચાનક રસિકલાલને ઢીંકે ચડાવી બાનમાં લીધા હતા. રસિકલાલ જમીન પર પટકાતાં ગાયે શીંગડાં અને પગ વડે રસિકલાલને 3 મિનિટ સુધી સતત રગદોળ્યા હતા, આથી તેમને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાને લઈ રસિકલાલના પુત્ર વૈભવે ગાયના માલિક વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં રખડતા ઢોરે ભોગ લીધાનો પ્રથમ ગુનો નોંધાયો છે. રસિકલાલના પુત્ર રાકેશે જણાવ્યું હતું કે જો કાર્યવાહી નહીં થાય તો શનિવારથી અન્નનો ત્યાગ કરી મ્યુનિ. કમિશનર ઓફિસે બેસી જઈશ.

સીસીટીવીમાં શું જોવા મળે છે?
વૈભવ ઠકરારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગાયના માલિક વિરુદ્ધ IPC કલમ 289 તથા જી.પી. એક્ટની કલમ 90 (એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવીમાં દેખાય છે કે રસિકલાલ ચાલીને જાય છે ત્યારે બાજુમાં ઊભી એક કાળા રંગની ગાય દોડીને રસિકલાલ તરફ આવે છે, આથી રસિકલાલ બચવા માટે દોડે છે અને પાછળ ગાય પણ દોડી રહી છે. બાદમાં રસિકલાલ જમીન પર પટકાય છે ત્યારે ગાય તેને પહેલા ઢીંક મારે છે, બાદમાં તેમની પર ચારેય પગથી હુમલો કરવા લાગે છે. તેમના માથા પર વધુ હુમલો કરતા તેઓ બેભાન થઈ ગયા હોવાનું જોવા મળે છે. લોકો રસિકલાલને બચાવવા આવે છે, પરંતુ ભૂરાઇ થયેલી ગાયના ડરથી તેઓ તેમની પાસે જઇ શકતા નથી. ગાય હડકાઇ થઈ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.

વૃદ્ધ દૂધ લેવા નીકળ્યા ત્યારે સામે જ ગાય હુમલો કરવા માટે દોડી આવી હતી.
વૃદ્ધ દૂધ લેવા નીકળ્યા ત્યારે સામે જ ગાય હુમલો કરવા માટે દોડી આવી હતી.

મ્યુનિ. રખડતાં ઢોરને ડબે પૂરવામાં નિષ્ફળ?
શહેરમાં રસ્તે રઝળતાં પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે તેમજ ગાય સહિતનાં પશુઓની ઢીંકથી મૃત્યુના કિસ્સા પણ બન્યા છે. આમ છતાં રસ્તે રઝળતાં પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલા મહાનગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે વધુ એક વ્યક્તિની જિંદગીનો અંત આવી ગયો હતો. સાધુ વાસવાણી રોડ પર દૂધ લેવા નીકળેલા વેપારી રસિકલાલને ગાયે ઢીંક મારતાં ગંભીર રીતે ઘવાતાં મોત નીપજ્યું હતું.

વૃદ્ધ પાછળ ગાય દોડી.
વૃદ્ધ પાછળ ગાય દોડી.

રસિકલાલ ઘરેથી દૂધ લેવા માટે નીકળ્યા હતા
શહેરના સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક રહેતા રસિકલાલ મોરારજીભાઇ ઠકરાર (ઉં.વ.78) મંગળવારે સવારે પોતાના ઘરેથી ચાલીને દૂધ લેવા નીકળ્યા હતા અને ગોપાલ ચોક નજીક એક્સિસ બેંક પાસે પહોંચ્યા હતા ત્યારે એક ગાય ધસી આવી હતી અને તેમને ઢીંક મારી હતી. ગાયે ઢીંક મારીને રસિકલાલને ઉલાળતાં તેઓ રસ્તા પર પટકાયા હતા. ઘટનાને પગલે વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા અને ગાયને દૂર કરી ગંભીર રીતે ઘવાયેલા રસિકલાલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ગાયે વૃદ્ધને ઢીંક મારી જમીન પર પટક્યા
ગાયે વૃદ્ધને ઢીંક મારી જમીન પર પટક્યા

રસિકલાલ યાર્ડમાં કમિશન એજન્ટનો વેપાર કરતા
રસિકલાલ ઠકરાર જૂના માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા હતા. પરિવારના મોભીના મોતથી ઠકરાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાને પગલે સાધુ વાસવાણી રોડ વિસ્તારની સોસાયટીના લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો, લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, આ વિસ્તારમાં રસ્તે રઝળતાં પશુઓનો ત્રાસ છે. આ અંગે અગાઉ અનેક વખત રજૂઆત કરી હતી. રજૂઆત કરવામાં આવે ત્યારે મનપા તંત્ર બે-ત્રણ દિવસ ઢોર પકડની કાર્યવાહી કરે છે અને ત્યાર બાદ ફરીથી એ જ ત્રાસ યથાવત્ રહે છે. રસ્તે રઝળતાં પશુઓના ત્રાસથી મુક્ત કરાવવા વિસ્તારના લોકોએ માગ કરી હતી.

વૃદ્ધને પૂરી રીતે બાનમાં લઈ ગાય ખૂંદવા લાગી.
વૃદ્ધને પૂરી રીતે બાનમાં લઈ ગાય ખૂંદવા લાગી.

મારાં મમ્મી, ભાઈ-ભાભી બચાવવા દોડ્યાં
મૃતક રસિકલાલના પુત્ર રાકેશે જણાવ્યું હતું કે ગત મંગળવારે સવારે 7 વાગ્યે દૂધ લેવા ગયા હતા ત્યારે ગાયે તેના પર હુમલો કરી દીધો હતો, આથી શેરીમાં અવાજ થવા લાગતાં મારાં મમ્મી, ભાઈ અને ભાભી બચાવવા દોડ્યાં હતાં. શેરીવાળા અને મારા પરિવારે મારા પિતાને બચાવવા પ્રયાસ કર્યો પણ તેમને પણ એક-બે ઢીંક મારી હતી. ગાય મારા પિતા પાસેથી દૂર જ જતી નહોતી. બાદમાં મારી શેરીના લોકો અને પરિવારે ગાય પર પાણીનો મારો ચલાવી જેમ તેમ કરીને હટાવી હતી. બાદમાં અમે મારા પિતાને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

વૃદ્ધ પર સતત 3 મિનિટ સુધી હુમલો કર્યો.
વૃદ્ધ પર સતત 3 મિનિટ સુધી હુમલો કર્યો.

જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરો
આ બાબતે કોઈને કાંઈ મદદ મળી નથી. અહીંના સ્થાનિક નેતા કે કોર્પોરેટર પણ અમારી પાસે આવ્યા નથી. કોર્પોરેશનમાંથી પણ કોઈ આવ્યું નથી. ભાજપના કાર્યાલયે કમલેશભાઈને મળ્યો તો તેમણે કહ્યું કે તમે કમિશનર ઓફિસે જાઓ. કોર્પોરેટર પુષ્કરભાઈ કરીને છે. અમારા ઘરનો આધાર અને કમાવાવાળા મારા પિતા હતા. મારા ભાઈનાં સંતાનોની સ્કૂલની ફી ભરતા હતા. સ્થાનિક અધિકારીઓ સામે સખત કાર્યવાહી થાય એવી માગ છે. અંતિમવિધિ કરીને ઘરે પરત આવ્યા હતા ત્યારે શેરીમાં એટલાં બધાં ઢોર હતાં કે અમે પરેશાન બની ગયા હતા. જો આમાં કાર્યવાહી નહીં થાય તો હું શનિવારથી અન્નનો ત્યાગ કરી કમિશનરની ઓફિસે બેસી જઈશ.

લોકોએ પાણીનો મારો ચલાવી જેમ તેમ કરી ગાયને હટાવી હતી.
લોકોએ પાણીનો મારો ચલાવી જેમ તેમ કરી ગાયને હટાવી હતી.

રખડતાં ઢોર હજુ કેટલાનો ભોગ લેશે?
રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પર બે માસ પૂર્વે કેટલાંક અસામાજિક તત્ત્વોએ હુમલો કરીને ઢોર પકડવાની કામગીરી અટકાવવા પ્રયત્ન કર્યો હતો, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે વધારાનો પોલીસ-બંદોબસ્ત માગીને તેમજ સ્ટાફ બમણો કરી કામગીરી વધુ તેજ બનાવવા જાહેરાત કરી હતી. આ કામગીરી માંડ એક સપ્તાહ ચાલુ રહી હતી અને હવે ફરીથી ઠંડી પડી ગઈ છે, જેને કારણે રાજકોટ શહેરમાં રઝળતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળતી જ નથી. પાલિકા સ્ટાફ પર હુમલો કરાયો ત્યારે ઢોર ડબે પુરાયાં અને હવે ડબે પુરાઈ જતાં ઢોરે વધુ એક જિંદગીનો ભોગ લીધો છે.

રસિકલાલના પુત્ર રાકેશે અન્નનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી.
રસિકલાલના પુત્ર રાકેશે અન્નનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી.
અન્ય સમાચારો પણ છે...