• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Conference Will Be Held With Experts For Finding New Water Sources, New Water Sources And Distribution System By Manpa.

વોટર કોન્ફરન્સ:રાજકોટમાં નવા જળસ્ત્રોત શોધવા મથામણ, મનપા દ્વારા નવા જળ સ્ત્રોત અને વિતરણ વ્યવસ્થા માટે તજજ્ઞો સાથે કોન્ફરન્સ યોજાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોઈપણ નાગરિકે આ વિષય પર રીસર્ચ કર્યું હોય તો devangmankad9@gmail.com પર મેઈલ અથવા 98244 07839 પર વોટ્સએપ કરી શકે છે
  • આગામી 9 જાન્યુઆરીના રોજ પાણીના નવા સ્ત્રોત ઉપરાંત વોટર હાર્વેસ્ટીંગ, રિચાર્જ, જળસંગ્રહ સહિતની બાબતે ચર્ચા કરવા શિબિરના તજજ્ઞોને ભેગા કરાશે

રાજકોટ શહેરની વસ્તી અને વિસ્તાર સતત વધી રહી છે. જળસ્ત્રોતની સંખ્યા મર્યાદિત જ છે. શહેરની ભવિષ્યની પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા અત્યારથી જ આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. નવા જળસ્ત્રોત શોધવા માટે આગામી 9મીએ જાન્યુઆરીના રોજ રાજકોટ વોટર કોન્ફરન્સ યોજાશે. જેમાં પાણીને લગતા અલગ-અલગ વિષયો પર તજજ્ઞોની સલાહ-સૂચન લેવામાં આવશે.

ન્યારી-1 અને ભાદર-1 નર્મદા યોજના પર નિર્ભર
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરનું ભૌગોલિક સ્થાન અને સ્થિતિ સૌરાષ્ટ્ર પ્રદેશમાં સમુદ્ર લેવલથી 147 મી. ઊંચા સ્થાને છે. આજી-1, ન્યારી-1 અને ભાદર-1 તથા નર્મદા યોજના પર નિર્ભર રહે છે. ગત વર્ષે આજી-1 અને ન્યારી-1 પણ સંપૂર્ણ ભરાઈ ગયા હોવા છતાં પણ આજી ડેમમાં બે વખત અને ન્યારી ડેમમાં એક વખત સૌની યોજનાનું પાણી ઠાલવવાની જરૂર પડી હતી.

9મી જાન્યુઆરીએ તજજ્ઞો સાથે કોન્ફરન્સ યોજાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલની રાજકોટ શહેરની વધતી જતી વસ્તી અને વિસ્તારોને ધ્યાનમાં રાખી તેમજ રાજકોટ શહેરના પીવાના પાણીના પ્રાણ પ્રશ્ન અનુસંધાને તેમજ આગામી વરસોમાં શહેરીજનોને પીવાનું પાણી દૈનિક મળી રહે તે માટે આગવું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે, જેના માટે પાણીના હાલના તથા નવા સ્ત્રોત, હાલની તથા ભવિષ્યની પાણી વિતરણ વ્યવસ્થા, વોટર રીસાઈકલીંગ, વોટર હાર્વેસ્ટિંગ, રીચાર્જ, જળ સંગ્રહ વિગેરે બાબતોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત 9મી જાન્યુઆરીએ દેશના જુદા જુદા તજજ્ઞો સાથે કોન્ફરન્સ યોજાશે.

સંભવિત આયોજનના વિકલ્પો પણ દર્શાવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં બેંગ્લોર, રાજસ્થાન, અમદાવાદ, ગાંધીનગર, જી.ડબલ્યુ.એસ.એસ.બી. ભુજ, દ્વારકા, મોરબી અને રાજકોટ વિગેરે ખાતેથી આ વિષયના તજજ્ઞો ઉપસ્થિત રહી પોતાના અભ્યાસ અહેવાલો રજુ કરી રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે પરામર્શ કરશે અને આ માટેના સંભવિત આયોજનના વિકલ્પો પણ દર્શાવશે.

98244 07839 પર વોટ્સએપ કરી શકાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સના અનુસંધાને રાજકોટ શહેરમાં રહેતા કોઈપણ નાગરિકે આ વિષયના તજજ્ઞો દ્વારા અભ્યાસ/રીસર્ચ કરેલ હોય તો તેઓ ચેરમેન વોટર વર્કસ કમિટીને devangmankad9@gmail.com ઉપર મોકલી શકે છે અથવા 98244 07839 પર વોટ્સએપ કરી શકે છે.આ કોન્ફરન્સમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, આર્કિટેક્ટ એસોસિએશન વિગેરેના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.