રાજકોટમાં લોકોથી ધમધમતા મિલપરા વિસ્તારમાં કાળી બપોરે જાહેરમાં લૂંટ થયાની ઘટના સામે આવી અને પોલીસ દોડતી થઈ ગઈ પરંતુ જ્યારે પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચે ત્યારે ફરિયાદી જ આરોપી નીકળ્યો.
પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મિલપરા વિસ્તારમાં બેંકમાંથી એક યુવક રૂ.30 લાખ ભરેલી બેગ લઈને બહાર નીકળે છે અને અચાનક બાઈક પર બે શખ્સો આવે છે અને તેની પાસેથી રૂપિયા ભરેલી બેગ ઝુંટવીને ફરાર થઈ જાય છે. ઘટનાની જાણ થતા ઘટનાની જાણ થતા ડીસીપી, એસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવે છે. અને તપાસ શરુ કરી યુવકની પુછપરછ કરે છે ત્યારે આવી કોઈ ચોરી થઈ જ ન હોવાનું સામે આવે છે. હાલ સમગ્ર મામલે પોલીસની તપાસમાં એવું સામે આવ્યું છે કે યુવક બેન્કકર્મી છે અને તેણે પોતાનું મકાન બચાવવા આ પ્રકારે લૂંટની કાલ્પનિક વાર્તા ઘડીને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
યુવક ઇન્ડસઇન્ડ બેંકમાં નોકરી કરે છે
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર નીલકંઠ ટોકીઝ આનંદનગર મેઇન રોડ પર આવેલ ઇન્ડસઇન્ડ બેંકમાં નોકરી કરતા મંથનભાઈ રાજેશભાઈ માંડલિયાએ જેઓ આજે બપોરે 2 વાગે સત્યવિજય સામે આવેલી યસ બેંકમાંથી રૂ.30 લાખ ઉપડ્યા હતા અને એ પછી શહેરના મિલ્પરા શેરી 8/19માં મકાનનું પેમેન્ટ આપવા આવ્યા હતા. એ દરમિયાન ડિસ્કવર બાઇકમાં બે લોકો આવ્યા હતા. જેમણે મંથનભાઈને પાટુ મારી પછાડી દીધા હતા અને હાથમાં રહેલ રૂપિયા થેલો લઈને નાસી છૂટ્યા હતા.
ફરિયાદી શંકાના દાયરામાં
રાજકોટ શહેરના મિલપરા વિસ્તારમાં 30 લાખ રૂપિયાની લૂંટ થયા હોવાની માહિતી સામે આવતા ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ અને SOG સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જો કે આ બનવામાં ફરિયાદી શંકાના દાયરામાં લાગતો હોવાથી પોલીસે ઊંડાણ પૂર્વક પુછપરછ શરુ કરી હતી.
લૂંટનું ખોટું નાટક રચ્યું હોવાની કબૂલાત
પોલીસની આકરી તપાસમાં મંથને વટાણા વેરી નાખ્યા હતા અને જણાવ્યું હતું કે,'મારી સાથે કોઇ લૂંટનો બનાવ બન્યો નથી.રૂપિયાની ભરપાઇ કરવા માટે એક મહિનાનો સમય મળે તે માટે આ તરકટ રચ્યું હતું.જે સ્થળે લૂંટ થઇ હોવાની ફરિયાદ કરી હતી ત્યાં માત્ર બાઇક સ્લીપ થયું હતું.' તેણે લૂંટનું ખોટું નાટક રચ્યું હોવાની કબૂલાત આપી છે. અને આવી કાલ્પનિક વાર્તા ઘડી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદીને ભક્તિનગર પોલીસ સ્ટેશન લઇ જઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મકાન બચાવવા લુંટનો પ્લાન ઘડ્યો હતો: ACP
આ મામલે ACP બી.વી.જાદવે જણાવ્યું હતું કે, ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુંટનો બનાવનો કંટ્રોલમાં ફોન આવ્યો હતો જેમાં 30 લાખની લુંટ થયાની જાણ કરી હતી. જેમાં ફરિયાદી મંથને મકાન લીધું હતું તે પેટે પૈસા ચૂકવવાનો સમય થઈ ગયો હતો આમ છતાં ફરિયાદી મંથનને એક પણ બેંકમાંથી લોન ન મળતા મકાન ના પૈસા ચૂકવવા માટે વધુ સમય મળી જાય તે હેતુથી તેને જ ખોટી લુંટનો પ્લાન ઘડ્યો હતો અને મકાનનો સોદો રદ ન થાય તે માટે ખોટું લુટનું નાટક રચવામાં આવ્યું હતું. ફરિયાદી પોતે જ આરોપી નીકળતા તેના સામે પોલીસને ગુમરાહ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.