માતા-પિતા માટે ચેતવણીરૂપ:રાજકોટમાં 9 વર્ષની બાળકીને નાકમાં સાડા ત્રણ વર્ષથી ક્રેયોનના બે ટૂકડા ફસાયેલા હતા, તબીબે દૂરબીનથી બહાર કાઢ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • અનેક જગ્યાએ દવાઓ અને એક્સ-રે કરાવ્યા પણ સચોટ નિદાન થતું નહોતું
  • બાળકીને સાડા ત્રણ વર્ષથી નાકમાંથી રસી, લોહી અને દુર્ગંધયુક્ત પ્રવાહી નીકળતું

રાજકોટમાં આરિફા રહીમભાઈ સૈયદ નામની 9 વર્ષની બાળકીના નાકમાં સાડા ત્રણ વર્ષથી નાકમાં ક્રેયોન (રંગીન ચાકની સળી) ફસાયેલી હતી. આથી તેને રોજ અસહ્ય પીડામાં કણસવું પડતું હતું. આ માટે પરિવારે ઘણી હોસ્પિટલોમાં એક્સ-રે કરાવ્યા પણ સચોટ ઇલાજ થતો નહોતો. બાદમાં વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી એક હોસ્પિટલમાં બાળકી સાથે પરિવાર પહોંચ્યો હતો અને અહીં ઈએનટી સર્જન ડો.હિમાંશુ ઠક્કરે દૂરબીનથી તપાસ કરતા નાકમાં કંઈક ફસાયેલું હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં દૂરબીનથી ઓપરેશન કરી ગણતરીની મિનીટોમાં ફસાયેલ વસ્તુ બહાર કાઢી હતી. આ વસ્તુ ક્રેયોન હોવાનું માલૂમ પડ્યું હતું. ક્રેયોનના બે ટૂકડાનું માપ લેતા અઢી ઇંચ જેટલી લંબાઈના જોવા મળ્યા હતા.

જમણી બાજુના નાકમાં ક્રેયોનના બે ટૂકડા ફસાયેલા હતા
આરિફાની માતા શબાનાબેને જણાવ્યું હતું કે, અરિફા સાડા ત્રણ વર્ષથી ખૂબ જ હેરાન-પરેશાન થઈ ગઈ હતી. કેમ કે, તેના જમણી બાજુના નાકમાંથી રસી, લોહી અને દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. અમે અનેક જગ્યાએ દવાઓ કરાવી, એક્સ-રે કરાવ્યા પરંતુ કોઇ જ ફરક ન પડતા અંતે આરિફાને વિદ્યાનગર મેઇન રોડ પરની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ આવ્યા હતા. અહીં ડો.હિમાંશુ ઠક્કર દ્વારા દૂરબીન વડે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, તેની જમણી બાજુના નાકમાં કંઇક ઊંડે ફસાયેલું છે. ત્યારબાદ તાત્કાલિક ધોરણે સારવાર શરૂ થઇ હતી અને બાળકીને ઓપરેશન થિયેટરમાં લઇ દૂરબીન વડે નાકમાં ફસાયેલ વસ્તુ ગણતરીની મિનીટોમાં જ કાઢી આપી હતી.

ક્રેયોનના બે ટૂકડાની લંબાઈ અઢી ઇંચ જેટલી થાય છે.
ક્રેયોનના બે ટૂકડાની લંબાઈ અઢી ઇંચ જેટલી થાય છે.

સાડા ત્રણ વર્ષ સુધી બાળકી પીડા સામે ઝઝૂમી
ઓપરેશન બાદ તપાસ કરતા માલુમ થયું હતું કે નાકમાંથી બહાર કાઢેલી વસ્તુ ક્રેયોન એટલે કે રંગીન ચાકની સળીના બે ટુકડા હતા. આ ક્રેયોનના બે ટૂકડા સાડા ત્રણ વર્ષથી નાકમાં ફસાયેલા હતા અને તેના લીધે જ વારંવાર આરીફાને ઇન્ફેક્શન થતું હતું અને કોઈ દવાની અસર થતી નહોતી. આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકીની નાની ઉંમર હોવાથી નાકનું કાણું ખૂબ જ નાનું અને સાંકડું હતું. તેમજ ક્રેયોનના ટુકડા સાડા ત્રણ વર્ષથી નાકમાં ફસાયેલ હતા તે નાકની અંદરની ચામડી સાથે ચોંટી ગયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં તબીબ દ્વારા ખૂબ જ કુનેહપૂર્વક દૂરબીનથી આ ક્રેયોનના ટૂકડાને ગણતરીની મિનીટોમાં જ કોઈપણ જાતની તકલીફ વગર દૂરબીન વડે કાઢી આપી બાળકીને યાતનામાંથી મુક્ત કરી હતી.

સાડા ત્રણ વર્ષથી બાળકી પીડાથી કણસતી હતી.
સાડા ત્રણ વર્ષથી બાળકી પીડાથી કણસતી હતી.
અન્ય સમાચારો પણ છે...