કુવાડવા ગામે રહેતી મિત્રની 16 વર્ષની પુત્રી પર નજર બગાડી એક સંતાનના પિતાએ લગ્નની લાલચ આપી તરુણીનું અપહરણ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદ મુજબ, ત્રણ સંતાન પૈકી ધો.11માં અભ્યાસ કરતી સૌથી મોટી પુત્રી ગત તા.10ની સવારે ઘર પાસે જ બ્યુટીપાર્લરનું કામ શીખવા ગઇ હતી. બપોર સુધી પરત નહિ આવતા નાની પુત્રીને બોલાવવા બ્યુટીપાર્લર મોકલી હતી. ત્યારે પાર્લર બંધ હોવાનું જાણવા મળતા પુત્રીને શોધવા માટે ગયા હતા. દરમિયાન પુત્રી સાંજે ગુમસુમ થઇને ઘરે પરત આવી હતી.
બાદમાં તેને ક્યાં ગઇ હતી તેવું પૂછતા પુત્રીએ એવું કહ્યું કે, પિતાનો મિત્ર દીપક શ્રીવાસ્તવ ત્રણ મહિનાથી તે પ્રેમ કરતો હોવાનું અને તેને લગ્ન કરવા હોવાની અનેક વખત વાત કરી હતી. તા.10ની સવારે દીપકે ગામની શાળા પાસે બોલાવી ફરવા જઇએ તેમ કહી બાઇકમાં રેસકોર્સ અને ત્યાંથી મેંગો માર્કેટ પાસે પોતાનું કારખાનુ હોવાનું કહી લઇ ગયો હતો. જ્યાં દીપકે હું તને પ્રેમ કરું છું, મારે તારી સાથે લગ્ન કરવા છે. જેથી તરુણીએ લગ્નની ના પાડતા દીપક ગામમાં આવેલા પેટ્રોલ પંપ પાસે ઉતારી નાસી ગયો હતો.
પુત્રીએ પોતાની સાથે કોઇ અજુગતું નહિ થયાનું જણાવતા માતા-પિતાને થોડી રાહત થઇ હતી. 5 વર્ષથી દીપક શ્રીવાસ્તવ વારંવાર ઘરે પણ આવતો જતો રહેતો હતો. ત્યારે તેને પુત્રી પર નજર બગાડતા પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદને પગલે કુવાડવા રોડ પોલીસમથકના પીઆઇ એન.એન.ચુડાસમા સહિતની ટીમે તુરંત દીપક શ્રીવાસ્તવને સકંજામાં લઇ લીધો છે. સકંજામાં આવેલો દીપક પરિણીત છે અને તેને એક સંતાન છે. પત્ની સાથે બે વર્ષથી મનમેળ ન હોય તે અલગ રહેતો હોવાનું તપાસનીશ અધિકારી ચુડાસમાએ જણાવ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.