વેક્સિન માટેની જાગૃતિ વધી:રાજકોટમાં 73% લોકોનું વેક્સિનેશન, 22%ને બન્ને ડોઝ આપી દેવાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાની બીજી લહેર બાદ વેક્સિન લેવા માટેની જાગૃતિ વધી છે અને બીજી તરફ સરકાર પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો આપતી નથી. જેના કારણે અનેક વેક્સિનેશન સેન્ટર પણ વહેલી સવારથી જ લાઇનો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 73 ટકા વ્યક્તિઓનું વેક્સિનેશન થયું છે અને 22 ટકા લોકોએ બીજો ડોઝ પણ લઇ લીધો છે. રવિવારે રજાના દિવસે પણ 7698 નાગરિકોએ કોરોના વેક્સિન લીધી છે. હાલ મનપા પાસે 10 હજાર ડોઝનો સ્ટોક છે.

રાજકોટમાં રવિવારે સાંજ સુધીમાં 18થી 44 વર્ષના 3112 વ્યક્તિઓ તેમજ 45થી મોટી ઉંમરના 4586 એમ કુલ 7698 નાગરિકોએ કોરોનાની રસી લીધી હતી. રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર પર 80 સાઇટ પર વેક્સિનેશન કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં આરોગ્ય કેન્દ્રો પર લોકો જઇ રહ્યા છે, પરંતુ કોરોના વેક્સિનના ડોઝ પૂરતા પ્રમાણમાં નહીં હોવાથી નગરજનોને ધક્કા થઇ રહ્યા છે. અનેક લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધા બાદ બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો છે પરંતુ પૂરતો સ્ટોક ન હોવાથી વેક્સિન લઇ શકતા નથી.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં 73 ટકા વ્યક્તિઓએ પ્રથમ ડોઝ લીધો છે અને તેમાંથી 22 ટકા લોકોએ બન્ને ડોઝ લઇ લીધા છે. રાજકોટની 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓની 993000 વસતી હોવાનો આરોગ્ય વિભાગનો અંદાજ છે. તેમાંથી 73 ટકા એટલે કે 724890 લોકો પ્રથમ અને 22 ટકાએ બીજો ડોઝ એટલે કે 218460 લોકોએ બન્ને ડોઝ લઇ લીધા છે. રાજકોટ મનપા પાસે રવિવારે સાંજે કોવિશિલ્ડના 8000 ડોઝ અને કોવેક્સિનના 2000 ડોઝનો સ્ટોક છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી દૈનિક સરેરાશ 8000 વ્યક્તિઓનું વેક્સિનનેશન થઇ રહ્યું છે.

રાજકોટમાં રિકવરી રેટ 98.70 ટકા, રવિવારે 8 કેસ
રાજકોટમાં રવિવારે માત્ર 8 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં 57635 વ્યક્તિ પોઝિટિવ નોંધાયા છે. બીજી તરફ રાજકોટમાં 98.70 ટકા રિકવરી રેટ છે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં આજ સુધીમાં 1201014 ટેસ્ટ કર્યા છે અને 3.57 ટકા પોઝિટિવિટી રેટ નોંધાયો છે. રાજકોટમાં રવિવારે 82 દર્દી સારવાર હેઠળ છે.

રાજકોટ જિલ્લામાં રવિવારે 1493 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ એક પણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે શૂન્ય પોઝિટિવ કેસ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 534794 ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 14897 પોઝિટિવ કેસ નોંધાયા હતા. રવિવારે 7 એક્ટિવ કેસ હતા.

અન્ય સમાચારો પણ છે...