સુરતની ઘટનાએ યાદ તાજી કરાવી:રાજકોટમાં 7 વર્ષ પહેલાં એકતરફી પ્રેમીએ કોલેજમાં યુવતીને ગુપ્તીના 15 ઘા ઝીંકી હત્યા કરી હતી, જેલમાં આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો'તો

રાજકોટ7 મહિનો પહેલા
આરોપી રાજુ મકવાણાએ એકતરફી પ્રેમમાં દીક્ષા મકવાણાની હત્યા કરી હતી.
  • આરોપીએ જેલની બેરેકના શૌચાલયમાં બારીની જાળીમાં દોરી બાંધી ફાંસો ખાધો હતો
  • દોરી તૂટી જતાં જમીન પર પટકાયો અને અન્ય કેદી જાગી જતાં જીવ બચ્યો હતો

સુરતમાં એકતરફી પ્રેમીએ જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કર્યાની ઘટનાથી ગુજરાતભરમાં પડઘા પડ્યા છે. આ ઘટનાથી રાજકોટમાં 7 વર્ષ પહેલાં બનેલી ઘટના તાજી થઈ રહી છે. 23 એપ્રિલ 2015ના રોજ સવારે પી.ડી. માલવિયા કોલેજમાં પરીક્ષા આપવા આવેલી દીક્ષા મકવાણાને એકતરફી પ્રેમી રાજુ મકવાણાએ ઉપરાછાપરી 15થી વધુ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રાજુને પકડી પાડી જેલહવાલે કર્યો હતો. જોકે રાજુએ જેલમાં પણ એક વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ધરપકડ થતાં આરોપીએ મરી જવાનું રટણ કર્યું હતું
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી માલવિયા કોલેજની વિદ્યાર્થિની દીક્ષા દિનેશભાઈ મકવાણા 23 એપ્રિલ 2015ના રોજ સવારે પરીક્ષા આપવા આવી હતી, પરંતુ કોલેજ કેમ્પસમાં જ એકતરફી પ્રેમી રાજુ મકવાણાએ ગુપ્તીના દોઢ ડઝન ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ ધરપકડ પામેલા આરોપીએ પોલીસ સમક્ષ મરી જવાનું રટણ રટ્યું હતું. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી ગુપ્તી જપ્ત કરી હતી.

હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો
કોઠારિયા રોડ પરના હુડકો ક્વાર્ટર્સમાં રહેતી દીક્ષા દિનેશભાઇ મકવાણા માલવિયા કોલેજમાં પરીક્ષા દેવા ગઇ હતી અને કોલેજ કેમ્પસમાં પહોંચી હતી ત્યારે રાજુ ઉર્ફે રાજ પ્રદીપ મકવાણા દીક્ષા પાસે ધસી ગયો હતો. બાદમાં દીક્ષા સાથે ઝઘડો કર્યા બાદ પોતાની પાસે રહેલી ગુપ્તીથી યુવતી પર તૂટી પડ્યો હતો. ઉપરાછાપરી 15થી વધુ ઘા ઝીંકી તેની હત્યા કરી રાજ મકવાણા ત્યાંથી નાસી ગયો હતો.

સાંજે આરોપી રાજુને જૂનાગઢથી પકડી લેવામાં આવ્યો
સનસનાટીભરી ઘટનાને પગલે પોલીસ હરકતમાં આવી ગઇ હતી. પોલીસે રાત્રે જ રાજુ મકવાણાને જૂનાગઢમાંથી ઝડપી લીધો હતો. માલવિયાનગર પોલીસે રાજુ મકવાણાની હત્યાના આરોપસર ધરપકડ કરી હતી. રાજે પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, દિક્ષા મકવાણા સાથે દોઢ વર્ષથી તેને પ્રેમસંબંધ હતા અને બંનેએ લગ્ન કરવાના એકબીજાને વચન આપ્યાં હતાં, પરંતુ પંદર દિવસ પૂર્વે દીક્ષાએ તેની જ્ઞાતિના યુવક સાથે સગાઇ કરી લીધી હતી. રાજ ત્રણ દિવસથી દિક્ષાની પાછળ કોલેજે જતો હતો. પરંતુ યુવતી રાજ સામે જોતી નહોતી. ઉશ્કેરાયેલા રાજે મોકો મળતા જ 23 એપ્રિલ 2015ના રોજ દિક્ષાની હત્યા કરી નાખી હતી.

મૃતક દીક્ષા મકવાણાની ફાઈલ તસવીર.
મૃતક દીક્ષા મકવાણાની ફાઈલ તસવીર.

હાલ આરોપી રાજુ જેલહવાલે
હત્યામાં ઉપયોગમાં લેવાયેલી ગુપ્તી કબજે કરવા પોલીસે કવાયત કરતા રાજુ મકવાણાએ કેફિયત આપી હતી કે, હત્યા કર્યા બાદ બાઇકમાં કાલાવડ રોડ પર પહોંચ્યો અને ત્યાં એક અવાવરું વંડામાં ફેંકી દીધી હતી. પોલીસે એ વંડામાંથી ગુપ્તી કબ્જે કરી હતી. બાદમાં પોલીસે આરોપીને રિમાન્ડ પર લીધા બાદ રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કર્યો હતો. જેલમાં રહેલા રાજુ મકવાણાએ થોડા દિવસ બાદ વહેલી સવારે 4 વાગ્યે નવી જેલની બેરેક નંબર પાંચના જાજરૂમાં બારીની જાળીમાં દોરી બાંધી ફાંસો ખાધો હતો. જોકે, દોરી તૂટી જતાં તે પટકાયો હતો, અને અન્ય કેદીઓ જાગી જતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર રાજુ મકવાણાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ રાજુ જેલહવાલે છે.

અન્ય સમાચારો પણ છે...