તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનપાની લાલ આંખ:રાજકોટમાં 660 અરજદારોએ આજ સુધી રૂપિયા ન ભરતા આવાસ ખાલી કરાવાશે, 80 કરોડ અટવાયા

રાજકોટ3 મહિનો પહેલા
નાછૂટકે અરજદારો વિરૂદ્ધ ખાલસા કરવાનો નિર્ણય
  • 15થી વધુ આવાસ યોજનાનો ડ્રો થયો છતાં અરજદારોએ આજ સુધી પૈસા ન ભરતા નિર્ણય લેવાયો

રાજકોટ શહેરમાં ગરીબ અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક આવાસ યોજનાઓ બનાવી છે. આવાસ યોજનામાં અરજદારોએ ફોર્મ ભર્યા બાદ ડ્રો કરવામાં આવતો હોય છે. છેલ્લા એક વર્ષમાં 15થી વધુ આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યા છે. પરંતુ આજ સુધી 660થી વધુ અરજદારોએ પૈસા ન ભરી એલોમેન્ટ પેપર લેવાનું માંડી વાળતાં કોર્પોરેશને આ પ્રકારના તમામ આવાસો ખાલી કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે અરજદારોને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું આવાસ યોજના વિભાગમાંથી જાણવા મળ્યું છે. આ આવાસમાં 80 કરોડ રૂપિયા અટવાયા છે.

660થી વધુ અરજદારોએ આજ સુધી પૈસા ભર્યા નથી
રાજકોટ શહેરમાં છેલ્લા એક વર્ષમાં 15થી વધુ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી તેમજ સ્માર્ટઘર યોજના અંતર્ગત આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યો છે. ડ્રો દરમિયાન જે અરજદારોને ક્વાર્ટર ફાળવવામાં આવ્યા હોય તેઓએ સમયમર્યાદામાં મેઇન્ટેનન્સ સહિતના પૈસા ભર્યા બાદ એલોમેન્ટ પેપર લઈ લેવાનો રહે છે અને આવાસનો કબ્જો મેળવી લેવાનો હોય છે. પરંતુ 15થી વધુ આવાસ યોજનાના ડ્રો થયાને એક વર્ષ થયું છતાં 660થી વધુ અરજદારોએ આજ સુધી પૈસા ભર્યા નથી અને એલોમેન્ટ પેપર લેવા આવ્યા ન હોય આ પ્રકારના તમામ આવાસો ખાલસા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

એલોમેન્ટ પેપર લીધા નહીં હોય તે તમામના આવાસ પરત લઈ લેવામાં આવશે
આવાસ યોજના વિભાગે આવા તમામ અરજદારોને સૂચના આપી સાત દિવસમાં પૈસા ભરી એલોમેન્ટ પેપર મેળવી આવાસનો કબ્જો મેળવી લેવાનું કહ્યું છે. આથી સાત દિવસ બાદ જે અરજદારે પૈસા ભર્યા બાદ એલોમેન્ટ પેપર લીધું નહીં હોય તે તમામ અરજદારોના આવાસ પરત લઈ લેવામાં આવશે. ડ્રો દરમિયાન આવાસનો કબ્જો ન મેળવેલો હોય તે પ્રકારના અનેક આવાસ આવારા તત્વોએ કબ્જે કરી ભાડેથી આપી દીધા હતા.

અનેક આવાસ આવારા તત્વોએ કબ્જે કરી ભાડેથી આપી દીધા
અનેક આવાસ આવારા તત્વોએ કબ્જે કરી ભાડેથી આપી દીધા

નાછૂટકે અરજદારો વિરૂદ્ધ ખાલસા કરવાનો નિર્ણય
660 આવાસના અરજદારો જો સમયસર પૈસા નહીં ભરે તો તમામ આવાસ પરત લઈ ફરી વખત ડ્રો કરવામાં આવશે. અલગ અલગ આવાસ યોજનામાં 660થી વધુ આવાસ અરજદારોએ ન સ્વીકારતાં મહાનગરપાલિકાના રૂપિયા 80 કરોડથી વધુ અટવાય ગયા હોય જેથી નાછૂટકે અરજદારો વિરૂદ્ધ ખાલસા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.