વીડિયો વાઇરલ:રાજકોટમાં BRTS રૂટ પર નિયમો નેવે મૂકી 6 ઘોડા સાથે 6 યુવાનોએ ઘોડેસવારી કરી

રાજકોટએક મહિનો પહેલા
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે તપાસ હાથ ધરી

શહેરના 150 ફૂટ રિંગ રોડમાં BRTS રૂટ પર ઘોડેસવારી કરતા યુવાનોનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં 6 ઘોડા સાથે 6 યુવાનોએ નિયમો નેવે મૂકી ઘોડેસવારી કરતા જોવા મળ્યાછે. જોકે આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

નિયમો નેવે મૂકી વાહનચાલકો પણ ઘૂસે છે
મળતી વિગત મુજબ 150 ફૂટ રિંગ રોડ પર BRTS રૂટમાં અવાર-નવાર ધૂમ સ્ટાઇલ બાઈક, પૂરપાટ ઝડપે જતી કાર વગેરે જોવા મળે છે. આ કારણે ઘણી વખત નાના-મોટા અકસ્માત પણ થતા હોય છે. આવા વાહનો કે કોઈ વ્યક્તિ BRTS રૂટમાં ઘૂસી ન જાય તે માટે ખાસ સિક્યુરિટી ગાર્ડ પણ રખાયા છે. જોકે બધા નિયમો નેવે મૂકી કેટલાક લોકો BRTS રૂટમાં પોતાનું વાહન લઈ ઘૂસી જતા હોય છે.

વીડિયો બનાવવા યુવકોએ જોખમી સ્ટંટ કર્યા
ત્યારે હવે BRTS રૂટમાં ઘોડેસવારો ઘૂસી ગયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં છ ઘોડા ઉપર છ ઘોડેસવારો જોવા મળે છે, યુવાનોએ ઘોડા ઉપર ઉભા રહી જોખમી કરતબો કરતા પણ વીડિયોમાં જોવા મળે છે. ઘટના ક્યારની છે? અને ઘોડેસવારો કોણ છે? તે જાણવા સીસીટીવી ફૂટેજની ચકાસણી થઈ રહી છે. વીડિયો જોતા લાગે છે કે, સોશિયલ મીડિયામાં વીડિયો મૂકવાના ચક્કરમાં યુવાનો નિયમોનું ભાન ભૂલ્યા છે. બે યુવકો ઘોડા પર ઉભા રહી કરી ઘોડેસવારી કરતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...