રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી રહી છે. તો બીજી તરફ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિનાયક નગરમાં રહેતા 40 વર્ષીય રવાભાઈ ઝાપડા નામના વ્યક્તિએ બુધવારે સાંજના સમયે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધાનું બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસે સ્યુસાઇડ નોટના આધારે હનુભા રાઠોડ, જય પટેલ, મનાભાઈ તેમજ ભરતભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પિતા લટકતી હાલતમાં જોવા મળ્યા
રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં ગૃહ વિભાગના આદેશ અનુસાર વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં વ્યાજખોરોના ત્રાસના કારણે કોલસાના વ્યવસાય સાથે જોડાયેલા અને વિનાયક નગર શેરી નંબર 15માં રહેતા રવાભાઈ ખોડાભાઈ ઝાપડા નામના વ્યક્તિએ પોતાની દુકાને છતના હુંકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધાનો બનાવો સામે આવ્યો હતો. સમી સાંજે પુત્ર જ્યારે પોતાના પિતાની દુકાને ગયો ત્યારે દુકાનનું શટર ખોલતા પિતા લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. સમગ્ર મામલે 108 ને જાણ કરતા 108 દ્વારા પણ રવાભાઈ ઝાપડા ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મકાન લખાવી લીધુ હતું
આપઘાત કરતા પૂર્વે રવાભાઈ ઝાપડાએ એક ચિઠ્ઠી લખી હતી. જેમાં ચાર વ્યાજખોરોના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. માત્ર ત્રણ લાખ પાંચ હજાર જેટલી મુદલ સામે 37 લાખથી પણ વધુ રૂપિયા અને એક મકાન લખાવી લીધુ હોવાનો સામે આવ્યું છે. ત્યારે તાલુકા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં મૃતક રવાભાઈના ભાઈ વાસાભાઈ ખોડાભાઈ ઝાપડાની ફરિયાદના આધારે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.